રાજ્યમાં દારૂબંધી હોવા છતાં પણ જાણે બુટલેગરોને કોઈ પણ પ્રકારનો ડર ન હોય તેમ દેશી અને વિદેશી દારૂનું વેચાણ કરાઈ રહ્યું છે ત્યારે સમી તાલુકામાં હવે દારૂની બદી રોકવા માટે મહિલાઓ મેદાને પડી છે.બે દિવસ અગાઉ અદગામમાં મહિલાઓ ભેગી થઈ દારૂબંધી માટે ચર્ચા કરી હતી. જ્યારે બુધવારે વરાણા ગામે મહિલાઓએ રેલી યોજી ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો અને બે દિવસમાં ગામમાં દારૂનું વેચાણ બંધ નહીં થાય તો જનતા રેડ કરવાની ચિમકી ઉચ્ચારી હતી.
સમી તાલુકામાં દેશી અને વિદેશી દારૂ બંધ કરાવવાની પોલીસની પોકળ વાતો સામે આવી છે જેમાં થોડા દિવસો અગાઉ સમી તાલુકાના ગાજદીનપુરા ગામે નાના બાળકો સહિત મહિલાઓ દ્વારા ગામમાં વેચાણ થતા દારૂ બાબતે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો.ત્યારબાદ બે દિવસ અગાઉ સમી તાલુકાના અદગામમાં પણ દારૂની બદી બંધ કરાવવા માટે મહિલાઓ ભેગી થઈ હતી અને બુધવારે યાત્રાધામ વરાણા ગામે મહિલાઓ દ્વારા એક રેલી યોજી હતી અને ગામની અંદર દારૂનું વેચાણ થતું હોવાનું જણાવી બે દિવસમાં ગામની અંદર થતું દારૂનું વેચાણ બંધ નહીં થાય તો જનતા રેડ કરવાની ચિમકી પણ ઉચ્ચારી હતી ત્યારે સમી પોલીસ સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. સમી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હવે ધીરે ધીરે વેચાણ થતા દારૂને લઈને વિરોધ નોંધાવવાનો શરૂથઈ ગયો હોવાનું સામે આવ્યું છે.










