ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામમાં દારૂ અને જુગારના કથિત અડ્ડા બંધ કરાવવા માટે ગામના મહિલા સરપંચની આગેવાની હેઠળ મહિલાઓ એકત્ર થઈને જિલ્લા કલેકટર ખાતે લેખીત રજુઆત કરી દારૂ અને જુગારના અડ્ડા બંધ કરાવવા માટે માંગ કરી હતી. બીજી તરફ્ ચાણસ્મા પોલીસ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી સ્થાનિક પોલીસ અને ડીવાયએસપી દ્વારા દેલમાલ ગામમાં રેડો કરવામાં આવી હતી અને હજુ પણ કાર્યવાહી ચાલું છે. આગામી સમયમાં પણ બદીને નેસ્તનાબુદ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામની મહિલાઓ ગુરૂવારે એકઠી થઈને પાટણ કલેકટર કચેરી ખાતે પહોંચી હતી. જ્યાં તેમણે લેખીત રજુઆત કરી હતી કે દેલમાલ ગામમાં ધાર્મિક મંદિર અને દરગાહ આવેલી હોવાથી શ્રદ્ધાળુઓ આવતાં હોય છે ત્યારે ગામમાં દારૂ અને જુગારના કથિત અડ્ડા ચાલતાં હોવાથી યુવાનો નાશાની લતે ચડી જતાં હોવાથી અડ્ડા બંધ કરાવવામાં આવે તેવી માંગ કરી હતી આ બાબતે ચાણસ્મા પીઆઈ જીગર પટેલે જણાવ્યું હતું કે દેલમાલ ગામમાં સ્થાનિક બીટ જમાદાર સહિત મેં પોતે પણ તેમજ ડી સ્ટાફ પોલીસ દ્વારા અવારનવાર રેડો કરવામાં આવે છે અને થોડા સમય પહેલા ડીવાયએસપીની હાજરીમાં પણ રેડ કરી હતી. તેમજ આગામી સમયમાં દારૂ જુગારની બદી સંપૂર્ણ પણે નેસ્તનાબુદ થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને લોકોને પણ આવી કોઈ પ્રવૃત્તિ ધ્યાનમાં આવે તો પોલીસને જાણ કરવા માટે અપીલ કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો