પાટણ શહેરમાં પીવાના પાણીના વેડફાટને લઈને 'સંદેશ ન્યૂઝ' દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. લાંબા સમયથી જર્જરિત હાલતમાં રહેલી પાણીની ટાંકીમાંથી હજારો લિટર પાણીનો બગાડ થઈ રહ્યો હતો, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળતો હતો. આ ગંભીર મુદ્દે 'સંદેશ ન્યૂઝ' એ વાચા આપતા જ પાટણ નગરપાલિકાનું તંત્ર સફાળું જાગ્યું છે. તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી આ જર્જરિત ટાંકીમાં પાણી ભરવાનું બંધ કરી દેવામાં આવ્યું છે, જેનાથી કિંમતી પીવાના પાણીનો થતો બગાડ હવે અટક્યો છે.

પાટણ નગરપાલિકા હરકતમાં

પાલિકા તંત્ર દ્વારા માત્ર જર્જરિત ટાંકીનો ઉપયોગ બંધ નથી કરાયો, પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ફિલ્ટર હાઉસની બાજુમાં બનેલી નવીન ટાંકીને તાત્કાલિક ધોરણે કાર્યરત કરી દેવામાં આવી છે. હવે પાટણના શહેરીજનોને આ નવી ટાંકી મારફતે પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. જર્જરિત ટાંકી તૂટી પડવાનો જે ભય સેવાઈ રહ્યો હતો અને પાણીનો જે વ્યય થતો હતો, તે પ્રશ્નનો કાયમી ઉકેલ આવતા સ્થાનિકોએ 'સંદેશ ન્યૂઝ' નો આભાર માન્યો છે. તંત્રની આ ત્વરિત કામગીરીએ સાબિત કર્યું છે કે લોકશાહીમાં મીડિયાના અહેવાલો જનહિત માટે કેટલા મહત્વના સાબિત થાય છે.