પાટણ શહેરના ઐતિહાસિક અને ગીચ વિસ્તાર ગણાતી સિદ્ધચક્રની પોળમાં એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ સફાયો બોલાવ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે તસ્કરોએ મુખ્ય દરવાજાના તાળા સાથે કોઈ છેડછાડ કર્યા વગર અંદર પ્રવેશ કર્યો હતો અને તિજોરીઓ કાપીને લાખોની મત્તાની ચોરી કરી છે.
પૈતૃક મકાનમાં તહેવારની મુલાકાત સમયે ચોરીનો ખુલાસો
મૂળ પાટણના વતની અને હાલ મુંબઈના બોરીવલીમાં રહી એક્સિસ બેંકમાં ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવતા કુશલભાઈ સંઘવીનું આ પૈતૃક મકાન છે. તેઓ ગત 23 જાન્યુઆરીના રોજ પરિવાર સાથે મંદિરે ધજા ચઢાવવાના પ્રસંગે પાટણ આવ્યા હતા. જ્યારે તેમણે મકાન ખોલ્યું ત્યારે ઘરનો સામાન વેરવિખેર જોઈને તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. છેલ્લે ગત 27 ડિસેમ્બરના રોજ આ મકાન ખોલવામાં આવ્યું હતું, ત્યારબાદ તે બંધ હતું.
તિજોરીઓ કાપીને સોના-ચાંદીના દાગીનાની ચોરી
તસ્કરોએ મકાનમાં પ્રવેશ્યા બાદ કોઈ કટર કે આધુનિક સાધન વડે ઘરમાં રહેલી ત્રણ તિજોરીઓને કાપી નાખી હતી. ચોરીની વિગતો મુજબ સોનાની ચેઈન રૂ. 1.25 લાખની કિંમતની (1 તોલો).ચાંદીની વસ્તુઓ રૂ. 1.26 લાખના વાસણો, સિક્કા અને પૂજાનો સામાન.અન્ય વાસણો રૂ. 24,400 ના તાંબા, પિત્તળ અને જર્મન સિલ્વરના વાસણો. કુલ મત્તા: રૂ. 2,75,400નો સમાવેશ થાય છે.
ઘરના મુખ્ય દરવાજાનું તાળું અકબંધ હતું
આ ઘટનામાં સૌથી વધુ આશ્ચર્યની બાબત એ છે કે ઘરના મુખ્ય દરવાજાનું તાળું અકબંધ હતું. તસ્કરો અન્ય કોઈ માર્ગે અથવા ડુપ્લીકેટ ચાવીના ઉપયોગ દ્વારા અંદર પ્રવેશ્યા હોવાની શંકા સેવાઈ રહી છે. તિજોરીઓ કાપવાની પદ્ધતિ જોતા આમાં કોઈ રીઢા ગુનેગારની સંડોવણી હોવાનું મનાય છે.
આ પણ વાંચો: Morbi: પિતા-પુત્રીના પવિત્ર સંબંધને લાંછન, ટંકારામાં સગા બાપે 14 વર્ષની માસૂમ દીકરી પર આચર્યું દુષ્કર્મ