પાટણ નગરપાલિકામાં યોજાયેલી કારોબારી સમિતિની બેઠક આજે શાસક પક્ષના આંતરિક ડખ્ખાને કારણે ઉગ્ર બની હતી. રોડ રસ્તાના કામોમાં થયેલા ભ્રષ્ટાચાર અને ગુણવત્તાના મુદ્દે ભાજપના જ બે કોર્પોરેટરો સામસામે આવી જતાં સભામાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.
ભ્રષ્ટાચારના મુદ્દે શાસક પક્ષમાં બે ફાંટા
નગરપાલિકા દ્વારા ભૂતકાળમાં બનાવવામાં આવેલા રોડની નબળી ગુણવત્તા અને તેમાં થયેલા કથિત ભ્રષ્ટાચાર અંગે બેઠકમાં ચર્ચા શરૂ થઈ હતી. આ દરમિયાન વોર્ડ નંબર 5 ના કોર્પોરેટર અરવિંદભાઈ પટેલ અને વોર્ડ નંબર 1 ના કોર્પોરેટર મનોજભાઈ પટેલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
દાદાગીરી અને ઉગ્ર વર્તન
જોતજોતામાં મામલો એટલો બિચક્યો હતો કે જાણે સડક પર કોઈ ઝઘડો થતો હોય તેવા દ્રશ્યો કારોબારી બેઠકમાં જોવા મળ્યા હતા. જ્યારે જૂના રોડના કામોમાં ગેરરીતિની વાત નીકળી ત્યારે અરવિંદ પટેલે ઉશ્કેરાઈને કહ્યું હતું કે, "અગાઉના રોડની વાત હવે નહીં કરવાની. અરવિંદ પટેલે મનોજ પટેલ સામે ગુસ્સામાં આવી દાદાગીરી ભર્યા શબ્દોનો પ્રયોગ કરતા મામલો ગરમાયો હતો. બંને સભ્યો એકબીજા પર આક્ષેપો કરતા ઊભા થઈ ગયા હતા.
થોડા સમય માટે બેઠક સ્થગિત
સત્તાધારી પક્ષના જ બે સભ્યો વચ્ચેની આ લડાઈને કારણે કારોબારી બેઠક થોડા સમય માટે રોકી દેવી પડી હતી. સભામાં હાજર અન્ય સભ્યો અને પદાધિકારીઓએ દરમિયાનગીરી કરવી પડી હતી. ભારે જહેમત બાદ અન્ય સભ્યોએ વચ્ચે પડી બંનેને શાંત પાડ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો.
આ પણ વાંચો: Ambaji: પવિત્ર 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ, એક જ સ્થળે થશે દિવ્ય શક્તિના દર્શન