સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમીતીની ચૂંટણી જાહેર થતા જ પાટડીના સ્થાનીક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જેમાં વેપારી પેનલની 4 બેઠકો અગાઉ બીન હરીફ થઈ છે. ત્યારે ખેડુત વિભાગની 10 બેઠકો પર અંતીમ દિવસે તા. 9ના રોજ 20 ઉમેદવારોએ રણ મેદાન છોડતા હવે 17 ઉમેદવારો વચ્ચે 10 બેઠકો કબજે કરવા ખરાખરીનો જંગ જામનાર છે. આગામી તા. 16ના રોજ 10 બેઠકો માટે 482 મતદારો મતદાન કરશે. અને તા. 17ના રોજ પરિણામો જાહેર થશે.ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર, ગાંધીનગરના નીયામક દ્વારા તા. 23-7ના રોજ પાટડી એપીએમસીની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત થતા જ પાટડીના સ્થાનીક રાજકારણમાં ગરમાવો ફેલાયો હતો. પાટડી એપીએમસીના ચૂંટણી અધીકારી અને જિલ્લા રજીસ્ટ્રાર (સહકારી મંડળીઓ) કોમલબેન ચૌધરી, નીકુલગીરી ગોસ્વામી દ્વારા ચૂંટણીની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ફોર્મ ભરવાના અંતીમ દિવસ તા. 5મી ઓકટોબર સુધીમાં વેપારી પેનલમાં 4 ફોર્મ જ ભરાતા ચારેય ઉમેદવારો રાજેન્દ્રકુમાર ખોડીદાસભાઈ પટેલ, લલીતભાઈ ધરમશીભાઈ પટેલ, દેવેન્દ્રકુમાર હીરાભાઈ પાવરા અને હાર્દીકકુમાર મહેશભાઈ સીંધવ બીન હરીફ થયા છે. જયારે ખેડુત વિભાગની 10 બેઠકો માટે 38 ફોર્મ ભરાયા હતા. જેમાં ચકાસણી દરમીયાન 1 ફોર્મ રદ્દ થયુ હતુ. ત્યારે ફોર્મ ખેંચવાના અંતીમ દિવસે 20 ઉમેદવારો રણમેદાન છોડી રણછોડ બન્યા હતા. આથી હવે 10 બેઠકો માટે 17 ઉમેદવારો વચ્ચે જંગ જામનાર છે. આગામી તા. 16ના રોજ આ 10 બેઠકો માટે એપીએમસીમાં નોંધાયેલા ખેડુત વિભાગના 482 મતદારો મતદાન કરશે. જયારે તા. 17ના રોજ મતગણતરી બાદ પરીણામો જાહેર કરવામાં આવનાર છે. હાલ ખેડુત વિભાગના ઉમેદવારોએ પોતાનો પ્રચાર આરંભ્યો છે.
