માલવણ થી જેનાબાદ સુધી બનતા ફોરલેન રોડના ગોકળગતિએ ચાલતા કામના કારણે પાટડીના નાના મોટા વેપારીઓના ધંધા ઠપ્પ થઇ ગયા છે અને યોગ્ય ડાયવર્ઝનના અભાવે અકસ્માતો સર્જાતા હોવાથી તાત્કાલીક સમસ્યા ઉકેલવાની માંગ ઉઠી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર નવા રોડ બનતા સમયે અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મીલીભગતના કારણે ગુણવતા વગરના રોડ બનતા હોય છે.માલવણ થી જેનાબાદ સુધી હાલ ફોરલેન રોડનું કામ ચાલુ છે ત્યારે પાટડી થી બજાણા રોડ ઉપરના રેલ્વે ફાટક વચ્ચે વેપારીઓની દુકાનો આગળ ચારેક મહિનાથી રોડ ખોદીને મુકેલો છે પરંતુ કોન્ટ્રાકટર દ્વારા કામ શરૂ કરાતુ નથી.દુકાનો આગળ જ રોડ ખોદેલો હોવાના કારણે પંકચરવાળા,વ્હીલ એલાઇમેન્ટ,ઓટો ગેરેજ અને પાણીના પ્લાન્ટ સહિતના નાના વેપારીઓના ધંધા ઠપ્પ થઇ ગયા છે.બીજી તરફ આડેધડ ડાયવર્ઝનના અભાવે અકસ્માતો પણ થઇ રહયા છે અને નવા બનતા નાળાના કામ ગુણવતા વગરના થતા હોવાની રાવ ઉઠી છે.આમ કોન્ટ્રાકટર અને અધિકારીઓની બેદરકારીના કારણે નાના નાના વેપારીઓને અને લોકોને મુસ્કેલી પડતી હોવાથી તાત્કાલીક વેપારીઓની સમસ્યા ઉકેલાય એવી માંગ ઉઠી છે.










