પેટલાદ શહેરમાં આવેલા ઐતિહાસિક અને આસ્થાના કેન્દ્ર સમાન રણછોડજી મંદિરની બહારના ભાગમાં આવેલી દુકાનોની ઉપરની છતનો એક મોટો હિસ્સો એકાએક તૂટી પડ્યો હતો. છત ધડાકાભેર નીચે પડતાં આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. સદનસીબે જે સમયે આ ઘટના બની તે સમયે ત્યાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે અને કોઈને પણ ઈજા પહોંચી નથી.

અગાઉ પણ બની ચૂકી છે ઘટના, હાલત અત્યંત જર્જરિત

સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, આ કોઈ પહેલી ઘટના નથી; થોડા સમય અગાઉ પણ આ જ છતનો એક ભાગ આ જ રીતે ધરાશાઈ થયો હતો. હાલમાં આ તમામ દુકાનો પરની આખી છત અત્યંત જર્જરિત અને બિસ્માર હાલતમાં લટકી રહી છે. ચોમાસાની ઋતુ નજીક હોય કે સામાન્ય દિવસોમાં પણ આ જર્જરિત સ્લેબ ગમે ત્યારે ગ્રાહકો કે રાહદારીઓ પર તૂટી પડે તેવી ભીતિ સેવાઈ રહી છે.

મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં કડક કામગીરીની માંગ

રણછોડજી મંદિરે દર્શનાર્થે આવતા ભક્તો તેમજ વિવિધ તહેવારો અને ધાર્મિક પ્રસંગોએ અહીં હજારોની સંખ્યામાં લોકોની અવરજવર રહે છે. આ સંજોગોમાં કોઈ મોટી હોનારત સર્જાય અને નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાય તે પહેલાં જાગવાની જરૂર છે. સ્થાનિક લોકો અને વેપારીઓ જોરદાર માંગ કરી રહ્યા છે કે વહીવટી તંત્ર દ્વારા આ સમગ્ર જર્જરિત હિસ્સાને તાત્કાલિક અસરથી ઉતારી લેવામાં આવે અને તેનું યોગ્ય રિપેરિંગ કામ વહેલી તકે શરૂ કરવામાં આવે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો