આજના સમયમાં જ્યાં લોકો પાય-પાય માટે લલચાય છે, ત્યાં ગુજરાત રાજ્ય પરિવહન નિગમ (ST) ના બે કર્મચારીઓએ પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પોરબંદર-ભુજ રૂટની બસના ડ્રાઈવર અને કંડક્ટરે એક મુસાફરનું ભૂલાઈ ગયેલું રૂપિયા 6 લાખની કિંમતનું અત્યાધુનિક રોડ સર્વે મશીન સુરક્ષિત રીતે પરત કર્યું છે.


ST કર્મચારીઓની પ્રામાણિકતા

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના વતની દર્શનભાઈ રામધરણ હાલ ગુજરાતમાં નોકરી કરે છે. તેઓ ગત રોજ પોરબંદર-ભુજ બસમાં મોરબીથી સામખીયારી જવા માટે સવાર થયા હતા. તેમની પાસે કંપનીનું કિંમતી 'મેરિડીયન ડી.જી.પી.એસ. ટોટલ ટ્રેસન રોડ સર્વે મશીન' હતું. મુસાફરી દરમિયાન ઉતાવળમાં દર્શનભાઈ આ મશીન બસમાં જ ભૂલીને સામખીયારી ઉતરી ગયા હતા.

કર્મચારીઓની સતર્કતા અને પ્રામાણિકતા

બસ જ્યારે ભુજ ડેપો પર પહોંચી ત્યારે ડ્રાઈવર મયુરગિરી આર. રામદત્તી અને કંડક્ટર હરપાલસિંહ ચુડાસમાનું ધ્યાન બસમાં પડેલા આ લાવારિસ મશીન પર ગયું હતું. આ સાધન કિંમતી હોવાનું જણાઈ આવતા, બંને કર્મચારીઓએ સહેજ પણ લાલચ રાખ્યા વિના તાત્કાલિક ભુજ ટ્રાફિક કંટ્રોલરને જાણ કરી હતી.

ભુજ ડેપો ખાતે મશીન સુપ્રત કરાયું

તંત્ર દ્વારા મુસાફર દર્શનભાઈનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. આજે ૨૫ જાન્યુઆરીના રોજ વહેલી સવારે દર્શનભાઈ ભુજ બસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં ડ્રાઈવર અને કંડક્ટરે ઇન્ક્વાયરી ઓફિસ ખાતે ટ્રાફિક કંટ્રોલરની હાજરીમાં આ રૂ. 6 લાખનું મશીન તેમને સુપ્રત કર્યું હતું. પોતાની કિંમતી અમાનત હેમખેમ પરત મળતા દર્શનભાઈની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા અને તેમણે એસ.ટી. સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

તંત્ર દ્વારા સન્માન અને અભિનંદન

જૂનાગઢ વિભાગીય નિયામક વી.બી. ડાંગર દ્વારા આ બંને કર્મચારીઓની ફરજનિષ્ઠાને બિરદાવવામાં આવી છે. પોરબંદર ડેપોના મેનેજર પી.બી. મકવાણા અને સ્ટેન્ડ ઇન્ચાર્જ સહિતના ઉચ્ચ અધિકારીઓએ પણ બંનેને અભિનંદન પાઠવ્યા હતા.

આ પણ વાંચો: Patan: 14.98 લાખના ચેક રિટર્ન કેસમાં વિસનગરના કોન્ટ્રાક્ટરને 1 વર્ષની કેદ


  • Follow us on: