પોરબંદરના એસ.ટી. રોડ સ્થિત નવા જલારામ મંદિરે જલારામ બાપાની જન્મ જયંતીની ત્રિદિવસીય ઉજવણીનો ભક્તિભાવપૂર્વક પ્રારંભ થયો છે. પવિત્ર લાભ પાંચમના દિવસે મંદિરમાં જલારામ બાપા, વીરબાઈ માં અને ભગવાન શ્રીકૃષ્ણને 56 ભોગથી વધુ વાનગીઓનો દિવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. મહિલા મંડળ દ્વારા ભજન-સત્સંગ યોજાયા હતા, જેમાં દર્શનનો લ્હાવો લેવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડયા હતા. રવિવારે બપોરે જી.ઈ.બી. ઓફ્સિથી મંદિર સુધી વાજતે-ગાજતે ધ્વજાજીનું ભવ્ય સામૈયું યોજાયું હતું અને રાત્રે ભજન-ગરબાની રમઝટ બોલાવાઈ હતી. આજે સોમવારે જલારામ જયંતીના પાવન પર્વે સવારે 8 વાગ્યે પાટોત્સવ પૂજા તથા 9 વાગ્યે 'રોટલા મનોરથ' યોજાશે. આ અંતર્ગત ભક્તો સવારે 11 વાગ્યા સુધી ઘરેથી બાજરાના રોટલા લાવી બાપાને ધરી શકશે. મહાઆરતી બાદ તેનું પ્રસાદીરૂપે વિતરણ થશે અને સાંજે 4 વાગ્યાથી તમામ ભાવિકો માટે ટ્રસ્ટ દ્વારા ખીચડી પ્રસાદીની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
