પોરબંદર ની જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, બખરલા ખાતે તમાકુ નિષેધ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમનો મુખ્ય હેતુ તમાકુના સેવનથી થતા આરોગ્યલક્ષી નુકસાન અંગે જનજાગૃતિ ફેલાવવાનો અને વ્યસનમુક્ત સમાજના નિર્માણ માટે લોકોને પ્રેરિત કરવાનો હતો. કાર્યક્રમમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા નાટકના માધ્યમથી બીડી, સિગારેટ, ગુટખા, માવો તથા અન્ય તમાકુજન્ય પદાર્થોના સેવનથી થતી ગંભીર આરોગ્ય સમસ્યાઓ અંગે સરળ અને અસરકારક માહિતી આપી હતી. તેમણે મોઢાનું કેન્સર, ફેફ્સાંનું કેન્સર, હૃદયરોગ તેમજ શ્વસનતંત્રના વિવિધ રોગો જેવા તમાકુના દુષ્પરિણામો વિશે લોકોને માહિતગાર કર્યા હતા.
આ કાર્યક્રમમાં આશરે 50 થી 60 નાગરિકોએ ઉપસ્થિત રહી કાર્યક્રમનો લાભ લીધો હતો. ઉપરાંત કોમ્યુનિટી મેડિસિન, વિભાગના વડા ડો. હરેશ ચંદવાણી,પ્રાધ્યાપક તથા ડો.આર્ચી દવે, મદદનીશ પ્રાધ્યાપક,ડો. રામ પરબત વજસી, સિનિયર ડો.સૈફ્અલી કાદરી, સીનીયર રેસીડેન્ટ અને ડો. હાર્દિક બાવળિયા, જુનિયર રેસિડેન્ટ ડો.હર્ષકુમાર પરમાર જુનીયર રેસીડેન્ટ ડોક્ટરો પણ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિતોને તમાકુમુક્ત જીવન જીવવાનોસંકલ્પ કરાવવામાં આવ્યો હતો.










