પોરબંદરમાં આજથી ત્રિ-દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો ભવ્ય પ્રારંભ થયો છે. આ કાર્યક્રમ દરમિયાન રાજ્ય સરકારના મંત્રી અર્જુન મોઢવાડિયાએ પોરબંદરના યુવાનો અને લોકોમાં રહેલા વિદેશ જવાના ક્રેઝ અંગે એક મોટું અને ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે સ્વીકાર્યું હતું કે પોરબંદરના લોકો ગમે તેવા જોખમો ખેડીને પણ વિદેશ જવા માંગે છે.
વિદેશ જવાના ક્રેઝ પર મંત્રીની ટકોર
કોન્ફરન્સને સંબોધતા મંત્રી મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, "વિદેશ જવા માટેના સૌથી વધુ પ્રયત્નો પોરબંદરમાંથી થાય છે. અહીંના લોકોને ગમે તેમ કરીને, સાચું-ખોટું કરીને પણ વિદેશ જવું છે." તેમણે વધુમાં ઉમેર્યું કે આ વિસ્તારમાં વિદેશ જવાની ઘેલછા એટલી હદે છે કે લોકો કાયદાકીય કે બિનકાયદાકીય રસ્તાઓ અપનાવતા પણ અચકાતા નથી.
પોલીસ અને રોજગારી મુદ્દે મોટું વિધાન
મંત્રીએ જ્યારે લોકો ખોટી રીતે વિદેશ જવાની પ્રવૃત્તિમાં પકડાય છે, ત્યારે રાજકીય ભલામણોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, "જ્યારે કોઈ ખોટું કરતા પકડાય, ત્યારે અમારે એસપી (SP) ને કહેવું પડે છે કે આ લોકો માત્ર રોજગારી માટે જાય છે, બીજું કંઈ કરવાનું નથી." મંત્રીના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે સ્થાનિક સ્તરે વિદેશ જવાના પ્રયાસોમાં અનેક મુશ્કેલીઓ અને કાયદાકીય ગૂંચવણો ઉભી થતી હોય છે, જેમાં નેતાઓએ મધ્યસ્થી કરવી પડે છે.
રોજગારી અને વાઇબ્રન્ટ કોન્ફરન્સ
એક તરફ જ્યારે સરકાર વાઇબ્રન્ટ ગુજરાતના માધ્યમથી સ્થાનિક સ્તરે ઉદ્યોગો સ્થાપી રોજગારી પૂરી પાડવા મથામણ કરી રહી છે, ત્યારે મંત્રીનું આ નિવેદન એ બાબત તરફ ઈશારો કરે છે કે પોરબંદરના યુવાનોમાં સ્થાનિક તકો કરતા વિદેશની ધરતી પર જઈને કમાવવાનું આકર્ષણ વિશેષ છે.
વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ