પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતે ગુરુ પૂર્ણિમાની ત્રિદિવસીય ઉજવણી અંતર્ગત 15મા 'ગુરુ ગૌરવ એવોર્ડ' સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રમેશભાઈ ઓઝા (ભાઈજી)ની પ્રેરણાથી વર્ષ 2010થી યોજાતા આ પ્રકલ્પ હેઠળ શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન આપનારા 5 શિક્ષણવિદ્દ મહાનુભાવો અને ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી પસંદ થયેલા 35 શ્રોષ્ઠ શિક્ષકોનું સન્માન કરાયું હતું.
સવારના સત્રમાં દીપ પ્રાગટય અને ઋષિકુમારોના વૈદિક મંત્રોચ્ચાર સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. એવોર્ડ ચયન સમિતિના અધ્યક્ષ ગીજુભાઈ ભરાડ દ્વારા પ્રસ્તાવના રજૂ કરાઈ હતી. આ પ્રસંગે પદ્મશ્રી ડૉ. રતિલાલ બોરીસાગરને 'લાઈફ્ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ' અર્પણ કરાયો હતો. આ ઉપરાંત ડૉ. વિજય સેવકને 'શ્રોષ્ઠ ગુરુ ગૌરવ એવોર્ડ', મુનિ સેવા આશ્રમ (ગોરજ)ને 'ઉત્તમ વિદ્યામંદિર એવોર્ડ' તેમજ ડૉ. કૃષ્ણપ્રસાદ નીરૌલાજી અને ડૉ. સી.ટી. ટૂંડિયાને 'શિક્ષણ-પ્રશિક્ષણ સારસ્વત સન્માન'થી નવાજવામાં આવ્યા હતા. શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગાએ વિડીયો સંદેશ દ્વારા તમામ એવોર્ડીઓને બિરદાવ્યા હતા.
ભાઈજીએ પ્રવચનમાં જણાવ્યું હતું કે, અત્યારે આર્ટિફ્િશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો જમાનો છે, જ્યાં માહિતી મેળવવી સરળ બની છે. બાળક પોતે ઘણું શીખી લે છે, પરંતુ ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો અને બાળકનું ચારિત્ર્ય નિર્માણ કેવી રીતે કરવું એ કામ માત્ર ગુરુ જ કરી શકે છે. ભવિષ્યના યુગમાં ગતિ તો મળશે, પણ એ ગતિને સાચી દિશા અને લક્ષ્ય આપવાનું કાર્ય શિક્ષકોનું જ રહેશે.
લાઈફ્ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ મેળવ્યા બાદ ડૉ. રતિલાલ બોરીસાગરે પ્રતિભાવ આપતાં કહ્યું કે, મારા સર્જન અને શિક્ષણના બે પાસાં સરસ્વતી પૂજાના ભાવથી જોડાયેલા છે. સાહિત્ય સર્જન દ્વારા મળતો પ્રસાદ સૌને વહેંચવાનો અને તેનો સ્વીકાર થવો એ જ મોટો આનંદ છે. પ્રાથમિક શાળાથી લઈને કોલેજ કે પાઠયપુસ્તક મંડળ સુધીની મારી સફરમાં મેં હંમેશાં વિદ્યાર્થીને જ કેન્દ્રમાં રાખ્યો છે.
શિક્ષણ ક્ષેત્રે નવાચાર (ઈનોવેશન) કરનારા અને પોતાની પ્રાથમિક શાળાઓને ગ્રામીણ સમુદાય સાથે જોડીને ઉત્કૃષ્ટ નેતૃત્વ પૂરું પાડનારા ગુજરાતના તમામ 35 જિલ્લાના પસંદગી પામેલા આચાર્યો તથા શિક્ષકોનું ભાઈજી દ્વારા સાંદીપનિ 'ગુરુ ગૌરવ એવોર્ડ' આપીને વિધિવત ભાવપૂજન કરવામાં આવ્યું હતું.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો