પોરબંદર રોટરી કલબ દ્વારા ચાર્ટર ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે દેહદાન, સ્કીનદાન અને નેત્રદાન માટે સંકલ્પ કરાયો હતો.

પોરબંદરમાં રોટરી ક્લબના 68મા ચાર્ટર સ્થાપના દિવસ નિમિત્તે ચાર્ટર ડે ની ઉજવણી યોજાઈ હતી. ક્લબના પ્રમુખ રો. ધવલ પરમારે જણાવ્યું હતું કે રોટરી ક્લબ છેલ્લા 68 વર્ષથી નિઃસ્વાર્થ સમાજસેવાના અનેક પ્રકલ્પો દ્વારા લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું કાર્ય કરી રહી છે. આગામી સમયમાં કેન્સર જાગૃતિ, રોટરી સ્કિન બેંક, આરોગ્ય, શિક્ષણ અને માનવસેવાના અનેક નવા પ્રોજેક્ટને વધુ ગતિ આપવામાં આવશે.

આ પ્રસંગે ક્લબના સ્થાપક સમયના વરિષ્ઠ સભ્ય રો.અસ્પીભાઈ વાડિયાએ ક્લબની સ્થાપનાની યાદો તાજી કરી હતી. તેમણે શરૂઆતના દિવસોના સંઘર્ષ, રોટરીની મિત્રતા અને સર્વિસ એબવ સેલ્ફ (સ્વથી ઉપર સેવા) ના મૂલ્યોને યાદ કરતાં સૌને સતત સેવા માટે પ્રેરિત કર્યા હતા. કાર્યક્રમમાં રોટરી સ્કિન બેંક પ્રોજેક્ટના પ્રોજેક્ટ ચેરમેન રો. ડો. કાના ગરેજાએ દેહદાન, નેત્રદાન અને સ્કિન ડોનેશન અંગે વિસ્તૃત માહિતી આપી હતી આ પ્રસંગે રો. કેતન આર. પારેખએ પોતાના દેહદાન, નેત્રદાન અને સ્કિન ડોનેશનનો સંકલ્પ જાહેર કરી સમાજ સમક્ષ માનવસેવાનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડયું હતું. તે જ સમયે રો. ડો. કાના ગરેજાએ પણ પોતાના દેહદાનનો સંકલ્પ જાહેર કર્યો હતો. આ પ્રસંગે રોટરી સ્કિન બેંક પ્રોજેક્ટ અંતર્ગત દેહદાન સંકલ્પપત્રનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો