પોરબંદર ના વીજ પ્રશ્નો ને લઇ ને કેબીનેટ મંત્રી દ્વારા પીજીવીસીએલનાં અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી
પોરબંદર ના ધારાસભ્ય અને વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને વિલા સર્કિટ હાઉસ ખાતે પીજીવીસીએલનાં પોરબંદર વર્તુળના અધિકારીઓ અને ઈજનેરો સાથે બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન મંત્રીએ અધિકારીઓ અને ઈજનેરોને વધુમાં વધુ ફ્લ્ડિ વિઝિટ કરી વીજ વ્યવસ્થાની સ્થળ પર સમીક્ષા કરવા તેમજ સ્થાનિક વીજ સમસ્યાઓનો શક્ય તેટલો સ્થળ પર જ નિકાલ થાય તે માટે કામગીરી કરવા તાકીદ કરી હતી. સર્વિસ વાયર, વિવિધ ફ્ડિરની સ્થળ ચકાસણી, વીજ ફોલ્ટનું સમયસર નિરાકરણ અને વીજ વ્યવસ્થાની નિયમિત ચકાસણી અંગે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.અંડરગ્રાઉન્ડ સ્કીમ હેઠળ વીજ વાયરને ભૂગર્ભમાં નાખવાની કામગીરી માટે મનપા સાથે સંકલન કરી જરૂરી કાર્યવાહી કરવા મંત્રીએ જણાવ્યું હતું. તેમજ સ્થાનિક જનપ્રતિનિધિઓ, પીજીવીસીએલનાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વચ્ચે યોગ્ય સંકલન જળવાઈ રહે અને વીજળી સંબંધિત લોકસમસ્યાઓનું ત્વરિત નિરાકરણ આવે તે માટે સંકલિત રીતે કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી.વીજચોરી સામે નિયમોનુસાર કડક કાર્યવાહી કરવામાં આવે, પરંતુ કાર્યવાહી દરમિયાન કોઈ નિર્દોષ ગ્રાહકને દંડ ન થાય તેની ખાસ તકેદારી રાખવા મંત્રીએ અધિકારીઓને તાકીદ કરી હતી.
