પોરબંદર નજીક મધદરિયે અત્યંત પડકારજનક હવામાન અને ઉછળતા મોજાં વચ્ચે ભારતીય કોસ્ટ ગાર્ડે એક દિલધડક મેડિકલ ઇવેક્યુએશન ઓપરેશન પાર પાડીને 21 વર્ષીય ખલાસીનો જીવ બચાવી લીધો છે.
મુંબઈ સ્થિત મેરિટાઇમ રેસ્ક્યૂ કોઓર્ડિનેશન સેન્ટર (MRCC) દ્વારા 25 જુલાઈની રાત્રે પોરબંદર કોસ્ટ ગાર્ડ જિલ્લા મુખ્યાલય નંબર 1 ને જાણ કરવામાં આવી હતી કે, 'એમટી મુરલીકિશન' નામના વેપારી જહાજ પર ફરજ બજાવતા કરું મેમ્બર અભિષેક ચૌહાણને અચાનક તીવ્ર છાતીમાં દુખાવો અને ઊંચો તાવ આવ્યો છે. ખલાસીની ગંભીર સ્થિતિને ધ્યાને રાખી તાત્કાલિક તબીબી મદદની જરૂર હતી.
માહિતી મળતા જ કોસ્ટ ગાર્ડ સક્રિય થયું હતું. દરિયામાં હવામાન ખૂબ જ ખરાબ હોવાથી જહાજને પોરબંદર બ્રેકવોટરથી અંદાજે 2.1 નોટિકલ માઈલ દૂર આંતરિક એન્કરેજ પર લાવવામાં આવ્યું હતું. જોકે, દરિયાઈ નિયમો અને વિકટ સ્થિતિના કારણે જહાજને જેટી સુધી લાવવું અશક્ય બન્યું હતું. સાંજ સુધીમાં સ્થિતિ વધુ બિચકતાં કોસ્ટ ગાર્ડે એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર (ALH) રવાના કર્યું હતું. હેલિકોપ્ટરના પાયલટે જોખમી પરિસ્થિતિ વચ્ચે પણ કુશળતાપૂર્વક બીમાર ખલાસીને એરલિફ્ટ કરી પોરબંદર કોસ્ટ ગાર્ડ એર એન્ક્લેવ પહોંચાડયો હતો. જ્યાં પ્રાથમિક તબીબી તપાસ બાદ તેને વધુ સારવાર અર્થે સ્થાનિક આશા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. કોસ્ટ ગાર્ડના જણાવ્યા અનુસાર હાલ ખલાસીની તબિયત સ્થિર છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો