માધવપુર ઘેડ ખાતે આજે ભગવાન માધવરાયજીના પવિત્ર તુલસી વિવાહ પ્રસંગે ભવ્ય ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભગવાન માધવરાયજીની જાન માધવરાયજી મંદિર ખાતેથી વાજતે-ગાજતે મધુવન જવા રવાના થઈ હતી.

મંદિરથી નીકળેલી જાન મુખ્ય બજાર માર્ગે ઢોલના નાદ અને ભક્તિમય કીર્તન સાથે આગળ વધી હતી. ભક્તો કીર્તન કરતાં કરતાં ભગવાનની જાનને મધુવન ખાતે આવેલા ચોરી માયરા સુધી લઈ પહોંચ્યા હતા. જ્યાં તુલસી વિવાહ પ્રસંગે પરંપરાગત ધાર્મિક વિધિ સાથે લગ્ન સમારોહ યોજાયો હતો.આ પ્રસંગે માધવરાયજી મંદિરના કુલગોર જનકભાઈ પુરોહિત દ્વારા યુગલ સ્વરૂપની શાસ્ત્ર્રોક્ત લગ્નવિધિ સંપન્ન કરાવવામાં આવી હતી. આ પવિત્ર પ્રસંગે મોટી સંખ્યામાં વૈષ્ણવો, ભાવિક ભક્તો અને ગ્રામજનો ઉપસ્થિત રહી ભગવાનના તુલસી વિવાહના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.મધુવન ખાતે લગ્નવિધિ પૂર્ણ થયા બાદ ભગવાન માધવરાયજીની જાન ઢોલ-કીર્તન અને ભક્તિમય માહોલ વચ્ચે વાજતે-ગાજતે ફરીથી નિજ મંદિરે પરત ફરી હતી. સમગ્ર આયોજન દરમિયાન માધવપુરમાં ભક્તિમય અને ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો.