વિશ્વપ્રખ્યાત મણિયારો સામાન્ય રીતે નવરાત્રી દરમિયાન રમાતો હોય છે, પરંતુ બખરલા ગામે દાયકાઓથી હોળી પછી સતત ત્રણ દિવસ સુધી "પડવા"ની ઉજવણી અંતર્ગત મણિયારો રમવાની વિશેષ પરંપરા જળવાઈ છે. હોળીના તહેવારના બીજા દિવસે જેને "પડવો" કહેવામાં આવે છે, તે દિવસથી શરૂ થતા આ ત્રણ દિવસીય ઉત્સવમાં સંસ્કૃતિનું જતન, એકતા અને ગૌમાતાના લાભાર્થે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. દરરોજ બપોરે ૩ થી ૭ અને રાત્રે ૯ થી ૧૨ વાગ્યા સુધી મણિયારો રાસની ધૂમ મચી રહે છે.
પરંપરાગત વેશભૂષા સાથે મેદાનમાં ઉતરી રાસ રમાય છે
આ અવસરે મહેર સમાજની બહેનો પરંપરાગત વેશભૂષા સાથે મેદાનમાં ઉતરી રાસ રમે છે. પરંપરાગત આભૂષણો અને લોકવેશમાં સજ્જ બહેનો રાસના તાલે ઝૂમે છે ત્યારે ગામનું વાતાવરણ રંગીન બની જાય છે. ખાસ નોંધનીય બાબત એ છે કે મહિલાઓ લાખો કરોડોના કિંમતી ઘરેણાં ધારણ કરી રાસ રમે છે, જે આ પરંપરાની સમૃદ્ધિ અને ગૌરવ દર્શાવે છે.
પદાધિકારીઓ તેમજ સંત-મહંતો પણ ખાસ ઉપસ્થિત રહે છે
ત્યારબાદ મહેર સમાજના ભાઈઓ ચોરણી-બાઠીયું, પાઘડી અને ભેઠાઈ જેવી પરંપરાગત પહેરવેશમાં સજ્જ થઈ મણિયારો રાસ રમે છે. નાના બાળકો થી લઈને વૃદ્ધો સુધી દરેક વયના લોકો રાસમાં ભાગ લે છે, અને જ્યારે સૌ એકસાથે રાસના તાલે ઝૂમે છે ત્યારે શૌર્ય અને એકતાના અદભુત દર્શન થાય છે. આ ત્રણ દિવસ દરમિયાન સમગ્ર બખરલા ગામ તથા આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં એકત્ર થાય છે. દેશ-વિદેશથી મહેમાનો, અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ સંત-મહંતો પણ ખાસ ઉપસ્થિત રહે છે.
મહેર સમાજ દ્વારા સંસ્કૃતિ અને પરંપરાનો જતન કરતું આયોજન કરાય છે
વિશ્વમાં યુકે, યુએસએ અને કેનેડામાં પણ મણિયારો રમાતો હોવા છતાં, હોળી બાદ બખરલા ગામે યોજાતા આ મણિયારા માટે વિદેશથી પણ લોકો ખાસ આવી પહોંચે છે.આ રાસમાં લોકો તલવાર ફેરવે છે .છેલ્લા અનેક દાયકાઓથી ચાલી આવતી આ પરંપરા આજે પણ અવિચલિત રીતે જળવાઈ રહી છે. મહેર સમાજ દ્વારા સંસ્કૃતિ અને પરંપરાનો જતન કરતું આ આયોજન નવી પેઢી માટે પ્રેરણારૂપ બની રહ્યું છે. આ રીતે હોળીના રંગો બાદ બખરલા ગામમાં મણિયારા રાસના રંગે રંગાયેલો આ ઉત્સવ માત્ર મનોરંજન નથી, પરંતુ સંસ્કૃતિ, પરંપરા અને સમાજની એકતાનું જીવંત પ્રતિક બની રહ્યો છે.
આ પણ વાંચો : Surat News : સુરતના સારોલીમાં વેપારી સાથે રૂ.16.20 લાખની છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો