રાણા બોરડી ગામે સરકારી યોજનાઓ માં થયેલ કથિત કૌભાંડ મામલે ગ્રામજનો એ ડીડીઓ મારફત રાષ્ટ્રપતિ ને આવેદન પાઠવ્યું છે.
રાણાબોરડી ગામમાં સરકારી યોજનાઓના નામે આચરવામાં આવેલા કથિત કૌભાંડ મામલે યોગ્ય તપાસની માંગ સાથે મિશન માતૃભુમી ના હરીશ રાવતની આગેવાનીમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ જિલ્લાવિકાસ અધિકારી ને આવેદનપત્ર પાઠવ્યું છે જેમાં જણાવ્યું છે કે રાણાબોરડી ગામમાં 140 જેટલા આવાસો અને 292 થી વધુ શૌચાલયો તેમજ અન્ય સરકારી યોજનાઓમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. સરકારી ચોપડે અસંખ્ય લોકોના નામે યોજનાઓનો લાભ લેવાયેલો દર્શાવવામાં આવ્યો છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આમાંના કોઈ પણ ગ્રામજનને આ યોજનાઓનો એક રૂપિયાનો પણ લાભ મળ્યો નથી. છેલ્લા એક વર્ષથી આ કૌભાંડ અંગે વારંવાર ફરિયાદો કરવા છતાં જિલ્લા પંચાયત અને સંબંધિત કચેરીના અધિકારીઓ દ્વારા કોઈ જ પ્રકારની તપાસ કે કાર્યવાહી કરવામાં આવી નથી. આ યોજનાઓની કોઈ યોગ્ય ટેકનિકલ કે ભૌતિક ચકાસણી હાથ ધરવામાં આવી ન હતી, આ નિષ્ક્રિયતા દર્શાવે છે કે ક્યાંકને ક્યાંક તંત્રના જ લોકો આ ભ્રષ્ટાચારને છાવરી રહ્યા છે. આ કૌભાંડની સૌથી ગંભીર બાબત એ છે કે, સરકારી રેકોર્ડમાં ગ્રામજનોના નામે લાભ લેવાયેલો બોલતો હોવાથી, ભવિષ્યમાં જ્યારે આ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો ખરેખર સરકારી યોજનાનો લાભ લેવા જશે, ત્યારે તેમને અગાઉ લાભ મળી ગયેલ છે તેવું કહીને વંચિત રાખવામાં આવશે. તેમના હકના નાણાં અન્ય કોઈ દ્વારા ગેરકાયદેસર રીતે પચાવી પાડવામાં આવ્યા છે.
