પોરબંદર જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન અંતર્ગત જૂનાગઢ રેન્જના આઈ.જી. રાજેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ અને પ્રજા વચ્ચે સીધો સંવાદ સ્થાપિત કરવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં જાગૃત નાગરિકો અને વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નાગરિકોએ આઈજી સમક્ષ શહેર અને જિલ્લાના મુખ્ય પ્રશ્નો અંગે મુક્તમને ચર્ચા કરી હતી. ખાસ કરીને શહેરમાં ટ્રાફ્કિની જટિલ સમસ્યાના નિવારણ, બરડા ડુંગર માં દેશી દારૂના દુષણ અને વર્તમાન સમયમાં ચિંતાજનક રીતે વધી રહેલા સાયબર ફ્રોડના ગુનાઓને ડામવા માટે અસરકારક પગલાં લેવા અંગે રજૂઆતો કરવામાં આવી હતી. દરમિયાન રેંજ આઈજીએ આ મામલે પોલીસ દ્વારા થયેલ કામગીરી અંગે માહિતી અપાઈ હતી અને વ્યાજખોરીનો ભોગ બનેલ લોકોને કોઈ પણ ભય વગર પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી હતી અને પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહીની ખાતરી આપી હતી. લોકદરબારમાં માત્ર પ્રશ્નો જ નહીં, પરંતુ પોલીસની હકારાત્મક કામગીરીની પણ નોંધ લેવાઈ હતી.સામાજિક આગેવાનોએ અસામાજિક તત્વો પર લગામ કસીને શાંતિ, સુરક્ષા, તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુંદર રીતે જાળવી રાખવા બદલ જિલ્લા પોલીસની કામગીરીને ખુલ્લા મને બિરદાવી હતી.
