પોરબંદર જિલ્લાના શિક્ષકોના ટેટની પરીક્ષામાંથી મુક્તિ આપવાની માંગ સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા બાઇક રેલી કાઢીને આવેદન આપવામાં આવ્યું હતું. જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ટેટની પરીક્ષા મામલે સંસદીય હસ્તક્ષેપ કરી હાલમાં કાર્યરત શિક્ષકોને મુક્તિ મળે તે માટે બાળકો માટે મફ્ત અને ફરજિયાત શિક્ષણના અધિકાર અધિનિયમ 2009 માં સુધારો કરે તેવી માંગ સાથે બાઇક રેલી કાઢી કલેકટર અને ધારાસભ્યને આવેદન પાઠવવામાં આવ્યું છે.


આ કાર્યક્રમમાં જિલ્લાના 150 થી વધુ શિક્ષકો જોડાયા હતા.શિક્ષકોએ જણાવ્યું હતું કે હાલમાં સુપ્રિમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ ચુકાદાના આધારે જુના તમામ શિક્ષકો માટે ટેટ પરીક્ષા પાસ કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ સંદર્ભે સંસદીય હસ્તક્ષેપકરી હાલમાં કાર્યરત શિક્ષકોને મુક્તિ આપવાની માંગ છે. રેલીને સફ્ળ બનાવવા જિલ્લા પ્રા.શિક્ષક સંઘના પ્રમુખ હિરેનભાઈ ઓડેદરા,મહામંત્રી મનોજભાઈ મૈત્રા, ગુજરાત રાજ્ય પ્રા.શિક્ષક સંઘના મંત્રી અને કુતિયાણા તાલુકા પ્રા.શિક્ષક સંઘના પ્રમુખ ભનુભાઈ મોડેદરા,રાણાવાવ તાલુકા પ્રા.શિક્ષક સંઘના પ્રમુખ પોપટભાઈ ખૂંટી,પોરબંદર તાલુકા પ્રા.શિક્ષક સંઘના પ્રમુખ રમેશભાઈ ઓડેદરા,મહામંત્રી નવઘણભાઇ ચૌહાણ,વગેરેએ જહેમત ઉઠાવી હતી. જિલ્લા કક્ષાએ થયેલ આ આંદોલન બાદ રાજ્ય કક્ષાએ ગુજરાત રાજ્ય પ્રા.શિક્ષક સંઘ અને રાષ્ટ્રીય કક્ષાએ અખિલ ભારતીય પ્રા.શિક્ષક સંઘના નેજા હેઠળ આગામી કાર્યક્રમો યોજાશે તેવું પણ આગેવાનો એ જણાવ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: