પ્રાંતિજ : પ્રાંતિજ તાલુકામાં કેબલ વાયર ચોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. સોમવારની રાત્રે નવાપુરા ગામની સીમમાં આવેલા બે ખેતરોમાંથી બોરવેલ પર લગાવેલા અંદાજે 90 ફૂટ ઇલેક્ટ્રિક કેબલ વાયરની ચોરી થતાં ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. પ્રાંતિજ તાલુકામાં નવાપુરા ગામના મકવાણા ચેહરસિંહ રામસિંહના ખેતરમાંથી અંદાજે 30 ફૂટ અને મકવાણા પ્રહલાદસિંહ રાજુસિંહના ખેતરમાંથી અંદાજે 60 ફૂટ કેબલ વાયર અજાણ્યા તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરાયેલા કેબલ વાયરની કુલ કિંમત અંદાજે રૂ. 15 હજાર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં ખેડૂતો દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી બોરીયા, તાજપુર, કરોલ, કતપુર, વડવાસા, રાસલોડ, ધડકણ અને અનવરપુરા સહિતના ગામોમાં પણ આવી ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. સ્થાનિક લોકોએ રાત્રિ પેટ્રોલિંગ વધારી તસ્કરોને ઝડપથી ઝડપી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો