પ્રાંતિજ તાલુકાના સુખડ ગામે રહેતા એક બૂટલેગરે દારૂનો જથ્થો પોલીસની નજરથી બચાવવા માટે ફિલ્મી ઢબે ખેતરમાં એક પાકું ભોંયરું તૈયાર કર્યું હતું. આ બૂટલેગરની હોશિયારી એટલી હતી કે તે જમીનની નીચે દારૂ સંતાડતો અને તેની ઉપરના ભાગે ખેતી કરતો હતો, જેથી કોઈને શંકા ન જાય. જોકે, પ્રાંતિજ પોલીસને આ અંગે ચોક્કસ બાતમી મળતા પોલીસે ખેતરમાં દરોડો પાડ્યો હતો.

બૂટલેગરની ધરપકડ, ભોંયરું જોઈ પોલીસ સ્તબ્ધ

પોલીસે બાતમીના આધારે બૂટલેગર રાહુલ મકવાણાને ઝડપી પાડી તેની કડક પૂછપરછ હાથ ધરી હતી. જ્યારે પોલીસે તેને મુદ્દામાલ અંગે પૂછ્યું અને તેણે ખેતરમાં બનાવેલું ગુપ્ત ભોંયરું બતાવ્યું, ત્યારે પોલીસ અધિકારીઓ પણ તેની કરામત જોઈને ચોંકી ઉઠ્યા હતા. જમીનની નીચે બનાવેલા આ પાકા ભોંયરામાં દારૂનો મોટો જથ્થો વ્યવસ્થિત રીતે ગોઠવીને રાખવામાં આવ્યો હતો.

પોલીસે રૂ.2.51 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

પોલીસે આ ગુપ્ત ભોંયરામાંથી તપાસ કરતા વિદેશી દારૂની નાની-મોટી કુલ 1400 જેટલી બોટલો મળી આવી હતી. પ્રાંતિજ પોલીસે અંદાજે 2.51 લાખ રૂપિયાનો દારૂનો જથ્થો કબજે કર્યો છે. આ મામલે પોલીસે રાહુલ મકવાણા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ પંથકમાં ભારે ચર્ચા જગાવી છે કે બૂટલેગરો હવે ધરપકડથી બચવા માટે કેવા કેવા હથકંડા અપનાવી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો