પ્રાંતિજ તાલુકાના બોભા ગામના વતની અને હાલમાં ગાંધીનગર ખાતે નિવાસ કરતા યુવા ફૂટબોલ ખેલાડી રુદ્ર ચૌધરીએ નાની ઉંમરે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે પ્રતિષ્ઠિત બેંગકોક ઇન્ટરનેશનલ યુથ ફૂટબોલ ફેસ્ટિવલ (BIVFF-7) માટે પસંદગી થતાં પરિવારજનો, કોચ તેમજ રમતપ્રેમીઓમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી છે. બેંગકોક સોકર લીગ દ્વારા આયોજિત આ આંતરરાષ્ટ્રીય કક્ષાની ટુર્નામેન્ટમાં રુદ્ર રાઈજિંગ સન એફ્સી ઇન્ડિયા તરફ્થી અંડર-14 કેટેગરીમાં ભાગ લેશે. વિવિધ જિલ્લાઓમાં યોજાયેલા કઠિન ટ્રાયલ્સ બાદ ગાંધીનગરમાંથી તેમની પસંદગી કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટમાં વિવિધ દેશોની પ્રતિભાશાળી યુવા ટીમો ભાગ લેવાની હોવાથી રુદ્રને પોતાની ફૂટબોલ પ્રતિભા વૈશ્વિક મંચ પર રજૂ કરવાની ઉત્તમ તક મળશે. સતત મહેનત, લગન અને રમત પ્રત્યેની નિષ્ઠાના બળે રુદ્રએ જિલ્લા તેમજ રાજ્ય સ્તરની અનેક સ્પર્ધાઓમાં નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે, જેના પરિણામે તેમને આ મહત્વપૂર્ણ તક પ્રાપ્ત થઈ છે. રુદ્રની આ સિદ્ધિથી બોભા ગામ સહિત સમગ્ર પ્રાંતિજ વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરિવારજનો, કોચિંગ ટીમ અને શુભેચ્છકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, રુદ્ર બેંગકોકમાં પોતાની શ્રોષ્ઠ રમત રજૂ કરીને પરિવાર, કોચિંગ સ્ટાફ્, ગાંધીનગર તેમજ ગુજરાતનું નામ રોશન કરશે. રુદ્ર ચૌધરીની આ ઉપલબ્ધિ અન્ય યુવાનો માટે પણ પ્રેરણારૂપ બની છે અને રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે ઉત્સાહ પૂરું પાડે છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: