પ્રાંતિજ તાલુકામાં ચોરીની વધુ એક ઘટના સામે આવી છે. પ્રાંતિજના મજરા બ્રિજના છેડે આવેલા વરદાયિની કોમ્પ્લેક્સમાં આવેલી ન્યુ વિજય સબમર્સીબલ રિપેરિંગ સેન્ટર નામની દુકાનને અજાણ્યા તસ્કરોએ રાત્રિના સમયે તસ્કરોએ દુકાનના શટરનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ દુકાનમાં મોટર રિવાઇન્ડિંગના કામ માટે રાખવામાં આવેલ અંદાજે 30 કિલો જેટલો કોપર વાયર ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સવારે દુકાન માલિક દુકાન પર પહોંચતા ચોરીની ઘટનાની જાણ થઈ હતી ત્યારબાદ તેમણે તાત્કાલિક પ્રાંતિજ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે અજાણ્યા તસ્કરોને શોધવા માટે કાર્યવાહી શરૂ કરી છે. પ્રાંતિજ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીની ઘટનાઓમાં વધારો નોંધાતા વેપારીઓમાં ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સ્થાનિકોએ રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવાની માંગ પણ કરી છે.
