રાધનપુર (સં.ન્યુ.સ)
રાધનપુરના મોબાઈલના વેપારીઓ પાસે થી લોન ઉપર મોબાઈલની ખરીદી કરી અન્ય શખ્સો દ્વારા છેતરપિંડી આચરતી હોવાથી ગત રોજ રાધનપુર ના વેપારીઓ દ્વારા રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે મોબાઈલના બિલો રજુ કરી મૌખિક ફરિયાદ કરી હતી.પોલીસે વેપારીઓની રજૂઆતના આધારે મોબાઇલ વેચાણના આધાર પુરાવા રજૂ કરવા વેપારીઓએ કહેવામાં આવ્યું હતું.
વેપારીઓના આક્ષેપ મુજબ કેટલાક શખ્સો મોબાઈલ શોરૂમમાંથી લોન ઉપર મોંઘા મોબાઈલ ખરીદતા હતા. શરૂઆતમાં અંદાજે રૂ. 5 હજાર જેટલું ડાઉન પેમેન્ટ ભરી રૂ. 50 હજાર સુધીના મોબાઈલ લઈ જતા હતા. ત્યારબાદ મોબાઈલના લોનના હપ્તા ભરવાના બદલે ગોઠવણપૂર્વક મોબાઈલનો લોક તોડાવી નાખતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. લોન ઉપર ખરીદવામાં આવેલા મોબાઈલના હપ્તા સમયસર ભરવામાં ન આવે તો કંપની દ્વારા મોબાઈલ લોક થઈ જતો હોય છે. આ ગેંગના માસ્ટરમાઈન્ડ દ્વારા ખોટા GST બિલ તૈયાર કરી તેમાં ખોટા GSTનંબરનો ઉપયોગ કરવામાં આવતો હોવાનો પણ વેપારીઓએ આક્ષેપ કર્યો છે. આ ખોટા દસ્તાવેજોના આધારે મોબાઈલ કંપનીના શોરૂમમાં જઈ મોબાઈલનો લોક તોડાવી નાખવામાં આવતો હોવાની રજૂઆત કરવામાં આવી છે. વેપારીઓના જણાવ્યા મુજબ લોક તોડાવ્યા બાદ આ મોબાઈલ બજારભાવ કરતાં અંદાજે રૂ. 5 હજાર ઓછા ભાવે વેચી રોકડ રકમ મેળવી લેવામાં આવતી હતી. જ્યારે મોબાઈલ ખરીદનાર દ્વારા લોનના હપ્તા ભરવામાં ન આવતા વેપારીઓ અને ફાઇનાન્સ સાથે સંકળાયેલા લોકોના નાણાં ફ્સાઈ જતા હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે. આ સમગ્ર મામલે રાધનપુરના મોબાઈલ વેપારીઓએ વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરતી ગેંગ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો