હિન્દુ ધર્મમાં ચાતુર્માસના ચાર મહિનાના વિરામ બાદ હવે ફરી એકવાર લગ્નસરાની સિઝનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. દેવઉઠી એકાદશી એટલે કે પ્રબોધિની એકાદશીના પવિત્ર પર્વથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ યોગનિદ્રામાંથી જાગૃત થશે અને તેની સાથે જ માંગલિક કાર્યોની શરૂઆત થશે. 21 નવેમ્બરથી તુલસી વિવાહના પાવન પ્રસંગ સાથે લગ્નસરાની મોસમનો પ્રારંભ થશે. ધાર્મિક માન્યતા મુજબ અષાઢ સુદ દેવશયની એકાદશીથી ભગવાન શ્રી વિષ્ણુ ચાર મહિના માટે યોગનિદ્રામાં પોઢી જાય છે. આ સમયગાળા દરમિયાન લગ્ન સહિતનાં માંગલિક કાર્યો થતા નથી. હવે ચાર મહિનાના વિરામ બાદ કારતક સુદએકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ જાગૃત થતાં ફરી શુભ પ્રસંગોની શરૂઆત થશે.
