રાજકોટની ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ગોંડલ તાલુકાના જામવાડી GIDCમાં આવેલી મે. મીસરી સ્પાઈસીસમાં દરોડા પાડી લાયસન્સ વગર સંગ્રહ કરાયેલો રૂ. 1.90 કરોડનો 79,900 કિલો મસાલાનો જથ્થો સીઝ કર્યો છે. રાજકોટની ફુડ વિભાગની ટીમે સતત બીજા દિવસે દરોડો પાડતા મસાલાના વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
વેપારીએ ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 અન્વયે ખાદ્ય વેપારનો પરવાનો મેળવવા અરજી કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે,પરવાનો મળ્યા પહેલા જ ફેક્ટરીમાં મસાલાની પ્રોસેસ કરી મોટા પાયે સંગ્રહ કરાયો હતો. ખાદ્યપદાર્થો પર યોગ્ય લેબલનો અભાવ અને ભેળસેળની શંકાના આધારે આ કાર્યવાહી કરાઈ છે.
ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે મે. મીસરી સ્પાઈસીસમાંથી ધાણા, ચોખા, મરચા, મકાઈ, હળદર અને પામોલીન તેલ સહિત છ ખાદ્યપદાર્થના નમૂના લીધા બાદ કુલ 79,900 કિલો જથ્થો સીઝ કરાયો છે. જેની કુલ અંદાજિત કિંમત રૂ. 1,90,26,954 થાય છે. જેમાં ધાણા પાવડર અને ચોખાના લોટની કિમંત રૂ.13,26,130 અને મરચા પાવડર તથા મકાઈ પાવડરની કિંમત રૂ. 1,64,13,244 તેમજ હળદર પાઉડર અને પામોલીન તેલની કિંમત રૂ. 12,87,580 થાય છે. ફુડ વિભાગે લીધેલા તમામ નમૂનાઓ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપ્યા છે. લેબ રિપોર્ટ આવ્યા બાદ ભેળસેળ સાબિત થશે તો ફેક્ટરી માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. લાયસન્સ વગર ઉત્પાદન અને લેબલ વગર સંગ્રહ કરવો ફુડ સેફ્ટી એક્ટ હેઠળ ગંભીર ગુનો બને છે.ખોરાક અને ઔષધ નિયમન તંત્રે વેપારીઓને લાયસન્સ લીધા વિના ખાદ્યપદાર્થનું ઉત્પાદન કે સંગ્રહ ન કરવા તાકીદ કરી છે. રાજકોટના ડેઝીગ્નેટેડ ઓફ્સિરના માર્ગદર્શન હેઠળ સિનિયર ફુડ સેફ્ટી ઓફ્સિર તથા ફુડ સેફ્ટી ઓફ્સિરની ટીમે આ તપાસ હાથ ધરી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો