રાજકોટ શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારો અને વિચિત્ર અકસ્માત સામે આવ્યો છે. શહેરના વ્યસ્ત અને જાણીતા રૈયારોડ પર આવેલા બાપા સીતારામ ચોક નજીક એક બેકાબૂ બનેલી ફોરવ્હીલર કાર રીતસર એટીએમ (ATM) સેન્ટરની અંદર ઘૂસી ગઈ હતી. ધોળા દિવસે સર્જાયેલા આ વિચિત્ર અકસ્માતને પગલે આસપાસના લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને ઘટનાસ્થળે લોકોના મોટા ટોળેટોળા એકઠા થઈ ગયા હતા.
સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ATM તોડી અંદર ઘૂસી
પ્રાપ્ત વિગતો અનુસાર, રૈયારોડ પરથી પસાર થઈ રહેલી એક કારના ચાલકે અચાનક જ કોઈ કારણોસર સ્ટેયરિંગ પરથી પોતાનો કાબૂ ગુમાવી દીધો હતો. કાર બેકાબૂ બનતા જ ચાલક કંઈ સમજે તે પહેલાં ગાડી રોડ કિનારે આવેલા એક બેંકના એટીએમ સેન્ટરના કાચ તોડીને સીધી અંદર ઘૂસી ગઈ હતી. આ અકસ્માત એટલો જોરદાર હતો કે એટીએમની કેબિનને મોટું નુકસાન પહોંચ્યું હતું. આ ઉપરાંત, આ બેકાબૂ કારે ત્યાં પાર્ક કરેલા એક દ્વિચક્રી વાહનને પણ કચડી નાખ્યું હતું અને અન્ય વાહનોને અડફેટે લીધા હતા.













