ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 26 ફેબ્રુઆરીથી લેવાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. રાજકોટમાં પરીક્ષાના આયોજનને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે, જેમાં પેપરની સુરક્ષાને સર્વોચ્ચ અગ્રતા આપવામાં આવી છે.
સ્ટ્રોંગ રૂમ સીલ અને રાઉન્ડ ધ ક્લોક સુરક્ષા
રાજકોટની ઐતિહાસિક ચૌધરી હાઈસ્કૂલ ખાતે બનાવવામાં આવેલા 4 સ્ટ્રોંગ રૂમને સીલ કરી દેવામાં આવ્યા છે. આ રૂમમાં બોર્ડના પેપર સુરક્ષિત રીતે મૂકવામાં આવ્યા છે. સુરક્ષામાં કોઈ ચૂક ન રહી જાય તે માટે સ્ટ્રોંગ રૂમની આસપાસ 'રાઉન્ડ ધ ક્લોક' પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
25 ઝોનમાં પેપરનું વિતરણ
આગામી 22 અને 23 ફેબ્રુઆરીએ બોર્ડના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પેપરનું વિતરણ શરૂ થશે. રાજકોટથી જામનગર, મોરબી, જૂનાગઢ અને કચ્છ સહિતના કુલ 25 ઝોનમાં પેપર મોકલવામાં આવશે. ખાસ વાત એ છે કે, પેપરની હેરફેર દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય તે માટે તમામ વાહનોને GPS સિસ્ટમથી સજ્જ કરવામાં આવ્યા છે, જેથી તેનું રિયલ ટાઈમ ટ્રેકિંગ થઈ શકે.
80 હજાર વિદ્યાર્થીઓનું ભાવિ
રાજકોટ જિલ્લામાં આ વર્ષે કુલ 80 હજાર જેટલા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવાના છે. 26 ફેબ્રુઆરીથી શરૂ થતી આ પરીક્ષા શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા તમામ કવાયત પૂર્ણ કરી લેવામાં આવી છે.
આ પણ વાંચો: Megharaj: વાઘોરાના જંગલમાં આગની લપેટમાં કિંમતી વનરાજી હોમાઈ, કારણ શોધવા વન વિભાગ મેદાને