રાજકોટવાસીઓ માટે નવા વર્ષના પ્રારંભે જ આનંદના સમાચાર આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા રાજકોટ શહેરના વિવિધ વિકાસલક્ષી કામો અને પ્રોજેક્ટોને વેગ આપવા માટે 195 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ રકમનો ચેક રાજકોટ મહાનગરપાલિકાને સુપરત કરવામાં આવ્યો હતો.
વિકાસ કામો માટે 367 કરોડની હતી માંગણી
રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા શહેરના આંતરમાળખાકીય સુધારા જેવા કે રસ્તા, વોકળા સુધારણા, રમત-ગમતના મેદાનો અને પાણીની પાઈપલાઈન માટે કુલ 367 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જે અંતર્ગત બાકી રહેતી 195 કરોડની માતબર રકમની ફાળવણી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.
કયા કામોને મળશે પ્રાધાન્ય?
રાજકોટના મેયર નયનાબેન પેઢડીયાએ 'સંદેશ ન્યૂઝ' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૫ના આયોજન મુજબ વિવિધ પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યા હતા. આ ગ્રાન્ટનો ઉપયોગ મુખ્યત્વે નીચે મુજબના કામોમાં કરવામાં આવશે. શહેરના વોકળાઓની સફાઈ અને સુધારણા.ફૂટબોલ અને ક્રિકેટના મેદાનોનું આધુનિકીકરણ. નવા સીસી રોડ અને ફૂટપાથનું નિર્માણ. જૂની પાઈપલાઈનનું નવીનીકરણ અને પાણી પુરવઠામાં સુધારો. શહેરમાં ફાયર સેફ્ટી અને સિસ્ટમ ડેવલપમેન્ટની કામગીરી.
2026ની ચૂંટણી પહેલા પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવાનું લક્ષ્ય
ઉલ્લેખનીય છે કે, આ રકમની ફાળવણી બાદ મહાનગરપાલિકા પ્રશાસન હરકતમાં આવ્યું છે. આગામી ૨૦૨૬ની મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ ચાલી રહેલા તમામ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ નવી ગ્રાન્ટ મળવાથી રાજકોટની જનતાને સુવિધાજનક અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ ઝડપથી મળશે.
વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ