રાજકોટના રૈયાધાર વિસ્તારમાં સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. શેરડીના ચિચોડા બાબતે થયેલા વિવાદમાં હમીર ભરવાડ અને તેના સાગરીતોએ કરેલા હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા ભાવેશ નામના યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે રૈયાધાર વિસ્તારમાં ભારે તંગદિલી વ્યાપી ગઈ છે.
સારવાર દરમિયાન ઇજાગ્રસ્ત ભાવેશનું મોત
મૃતક ભાવેશ અને આરોપી હમીર ભરવાડ વચ્ચે શેરડીના ચિચોડા લગાવવા અથવા તેના સંચાલન બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ સામાન્ય વિવાદે જોતજોતામાં મોટું સ્વરૂપ લીધું હતું અને આરોપી હમીર ભરવાડે તેના સાગરીતો સાથે મળીને ભાવેશ પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ ભાવેશને બેફામ માર મારતા તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું.
