રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પોલીસના ડરથી બચવા માટે એક બુટલેગરે રસ્તા પર જઈ રહેલા નિર્દોષ નાગરિકને કચડી નાખતા ચકચાર મચી ગઈ છે. 100 કિમીની તોતિંગ ઝડપે દોડતી કારે એક હસતા-રમતા પરિવારનો માળો વિખેરી નાખ્યો છે.

100ની ઝડપે દોડતી કાર બની કાળ

મળતી માહિતી મુજબ, કુખ્યાત બુટલેગર વિપુલ હાંડા પોતાની ફોર વ્હીલર ગાડીમાં દેશી દારૂનો જથ્થો લઈને જઈ રહ્યો હતો. પોલીસ પીછો કરી રહી હોવાના ડરથી તેણે પોતાની કારને અંદાજે 100 કિમી પ્રતિ કલાકની જોખમી ઝડપે ભગાવી હતી. આ દરમિયાન રસ્તા પરથી પસાર થઈ રહેલા 49 વર્ષીય ટુ-વ્હીલર ચાલક દિનેશભાઈ સોલંકીને કારે જોરદાર અડફેટે લીધા હતા. ટક્કર એટલી ભયાનક હતી કે દિનેશભાઈનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

દારૂનો જથ્થો જપ્ત અને આરોપીની ધરપકડ

અકસ્માત સર્જીને ભાગવાની કોશિશ કરી રહેલા બુટલેગર વિપુલ હાંડાને પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને ઝડપી પાડ્યો છે. પોલીસે જ્યારે તેની કારની તલાશી લીધી ત્યારે તેમાંથી 100 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

આ પણ વાંચો: Ahmedabad: AMCમાં 'ફાઈલ' જ સુરક્ષિત નથી: સોલિડ વેસ્ટ વિભાગની ટેન્ડર ફાઈલ ગુમ થતા મ્યુનિ. તંત્રમાં દોડધામ