રાજકોટ શહેરમાં ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનને કારણે અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે શહેરના મવડી-કણકોટ રોડ પર રોંગ સાઈડમાં આવી રહેલી એક બેફામ કારે સામેથી આવી રહેલા બાઈક સવારને જોરદાર ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઈક ચાલકને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે.

બેફામ કારે બાઈક સવારને કચડ્યો

મળતી માહિતી મુજબ, મવડીથી કણકોટ તરફ જતા રોડ પર એક કાર ચાલકે શોર્ટકટ લેવાના ચક્કરમાં કે બેદરકારીપૂર્વક પોતાની કાર રોંગ સાઈડમાં હંકારી હતી. આ દરમિયાન સામેથી આવી રહેલા બાઈક સવારને કારે જોરદાર અડફેટે લીધો હતો. ટક્કર એટલી ભીષણ હતી કે બાઈક સવાર ફંગોળાઈને રોડ પર પડ્યો હતો અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

લોકોના ટોળા ઉમટ્યા

અકસ્માત સર્જાતા જ આસપાસના રહીશો અને વાહનચાલકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઈજાગ્રસ્ત બાઈક ચાલકને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલમાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો: Junagadh: બિલ્ડર ચેતન ફળદુ વિરુદ્ધ એટ્રોસિટી હેઠળ ગુનો દાખલ, જાતિ વિષયક ટિપ્પણી બદલ કાર્યવાહી