રાજકોટમાં ખાદ્ય સુરક્ષાને લઈને એક અત્યંત ચોંકાવનારી અને ગંભીર ઘટના સામે આવી છે. શહેરના એક જાગૃત નાગરિકે દુબઈથી આવેલી બકલાવા ચોકલેટના પેકેટમાંથી 5 થી 6 જીવંત ઇયળો નીકળતા તેનો વીડિયો બનાવીને વાયરલ કર્યો છે, જેના પગલે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. આ ચોકલેટનું સૌથી મોટું ઉલ્લંઘન એ છે કે તેના પર ઉત્પાદન કે એક્સપાયરીની તારીખનો કોઈ ઉલ્લેખ નથી. નાગરિકે તાત્કાલિક આ બાબતનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જેને કારણે લોકોમાં ફેલાતી સ્વાસ્થ્યની ચિંતા વધી છે.

વિદેશી ચોકલેટ વેચીને સ્વાસ્થ્ય સાથે ચેડાં

ઘટનાની જાણ થતાં જ આરોગ્ય અધિકારી જયેશ વાકાણીએ નિવેદન આપ્યું હતું. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે, આ ચોકલેટનું વેચાણ ખાદ્ય સુરક્ષા (FSSAI)ના નિયમોનું ગંભીર ઉલ્લંઘન કરીને કરવામાં આવી રહ્યું છે. અધિકારીએ કહ્યું કે ચોકલેટમાં માત્ર એક રેપર લગાવવામાં આવ્યું છે, જ્યારે ઉત્પાદક દ્વારા અન્ય કોઈ વર્ણન કે માહિતી આપવામાં આવી નથી. આરોગ્ય વિભાગે તાત્કાલિક ધોરણે પગલાં લેવાની જાહેરાત કરી છે. વાકાણીએ જણાવ્યું કે, જે પાર્લરોમાં આ ચોકલેટ વેચાઈ રહી છે ત્યાં સઘન ચેકિંગ કરવામાં આવશે અને આ રીતે ગેરકાયદેસર અને અસુરક્ષિત વસ્તુ વેચનારા ચોકલેટ વિક્રેતા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.