રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ફરી એકવાર દર્દીઓની સુવિધાને લઈને ગંભીર બેદરકારી સામે આવી છે. હોસ્પિટલ પાસે પૂરતો સ્ટાફ હોવાના દાવાઓ વચ્ચે પણ અત્યંત આઘાતજનક દ્રશ્યો જોવા મળ્યા હતા, જેમાં દર્દીના સગાઓ જાતે સ્ટ્રેચર ખેંચીને એક વિભાગમાંથી બીજા વિભાગમાં જવા મજબૂર બન્યા હતા. પીડિત દર્દીના પરિવારજનોએ 'સંદેશ ન્યૂઝ' સમક્ષ પોતાની આપવીતી વર્ણવતા જણાવ્યું કે, હોસ્પિટલ સ્ટાફ દ્વારા માત્ર સ્ટ્રેચર આપી દેવામાં આવ્યું હતું, પરંતુ તેની સાથે કોઈ વોર્ડ બોય કે કર્મચારી મદદ માટે આવ્યા નહોતા. ગંભીર હાલતમાં રહેલા દર્દીને વહેલી તકે સારવાર મળે તે હેતુથી લાચાર સ્વજનોએ જાતે જ સ્ટ્રેચર ચલાવવું પડ્યું હતું.

રાજકોટ સિવિલમાં માનવતા મરી પરવારી

આ મામલો સામે આવતા જ રોગી કલ્યાણ સમિતિના સદસ્ય રાજાભાઈ આહીર દર્દીઓની વહારે આવ્યા હતા અને તેમણે તંત્રની આ ભૂલનો સ્વીકાર કર્યો હતો. તેમણે સ્પષ્ટપણે કબૂલ્યું હતું કે સ્ટ્રેચર ચલાવવાની જવાબદારી હોસ્પિટલના સ્ટાફની છે અને જે બન્યું તે વહીવટી તંત્રની મોટી બેદરકારી છે. રાજાભાઈએ ખાતરી આપી છે કે આ બાબતની સંપૂર્ણ માહિતી મેળવી લેવામાં આવી છે અને જવાબદાર કર્મચારીઓ સામે યોગ્ય પગલાં ભરીને ભવિષ્યમાં આવી ઘટના ન બને તેની તકેદારી રાખવામાં આવશે. જોકે, આ ઘટનાએ સરકારી હોસ્પિટલોમાં મળતી પાયાની સેવાઓ સામે અનેક સવાલો ઊભા કર્યા છે.