રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોળે દિવસે ચોરીની એક અજીબ ઘટના સામે આવી છે. ધોરાજી શહેરમાં એક દુકાનમાં ગ્રાહક બનીને આવેલી યુવતી અને તેના સાગરીતોએ વેપારીની નજર ચૂકવી ગલ્લામાંથી રોકડ રકમની ચોરી કરી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે.


શું છે સમગ્ર ઘટના?

ઘટનાની મળતી માહિતી અનુસાર, ધોરાજીના એક વ્યસ્ત વિસ્તારમાં આવેલી દુકાનમાં બપોરના સમયે ત્રણથી ચાર વ્યક્તિઓની એક ટોળકી પ્રવેશી હતી. જેમાં બે-ત્રણ યુવકો અને એક યુવતીનો સમાવેશ થાય છે. આ ટોળકીએ ખૂબ જ આયોજનબદ્ધ રીતે વેપારીને વાતોમાં પરોવ્યા હતા.

વીડિયોમાં જોઈ શકાય છે કે, યુવકો દુકાનદાર પાસે કોઈ વસ્તુ માંગવાના બહાને તેનું ધ્યાન બીજી તરફ ખેંચે છે. બરાબર એ જ સમયે તકનો લાભ લઈને ટોળકીમાં સામેલ યુવતી અત્યંત ચપળતાથી દુકાનના ગલ્લા સુધી પહોંચી જાય છે અને તેમાંથી રોકડ રકમ ચોરી લે છે. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

આ વીડિયો હાલ સ્થાનિક ગ્રુપોમાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં ચોરી કરવાની આ 'યુનિક' પદ્ધતિ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. ચોરી કર્યા બાદ આ ટોળકી કોઈને શંકા ન જાય તે રીતે દુકાનમાંથી બહાર નીકળી ગઈ હતી. જોકે, આશ્ચર્યની વાત એ છે કે, આ મામલે હજુ સુધી પોલીસ સ્ટેશનમાં કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

વેપારીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો

આ ઘટના એ તમામ વેપારીઓ માટે લાલબત્તી સમાન છે, જેઓ એકલા દુકાન પર બેસતા હોય છે. ભીડભાડનો લાભ લઈને આવતી આવી ટોળકીઓથી સાવધ રહેવું જરૂરી છે. સ્થાનિકો દ્વારા આ વીડિયો મામલે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.


આ પણ વાંચો - Rajkot News: ક્યાંક તમે તો નથી ખાતાને આ નકલી પાન-માવા?


  • Follow us on: