રાજકોટની ગૌશાળામાં ગાયોના અચાનક મૃત્યુના કેસમાં તપાસ એજન્સીઓએ મોટો ખુલાસો કર્યો છે. મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે લેવાયેલા FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) રિપોર્ટમાં સામે આવ્યું છે કે ગાયોનું મોત ઝેરી ખોળ (Cattle Feed) ખાવાથી થયું હતું. તપાસમાં જાણવા મળ્યું છે કે આ ઝેરી અને વાસી ખોળ દાનમાં મળ્યો હતો, જે ગોંડલની એક મિલમાંથી આવ્યો હતો. FSL રિપોર્ટમાં ઝેરની હાજરીની પુષ્ટિ થયા બાદ અધિકારીઓએ આ ખોળ સપ્લાય કરનારી ગોંડલની મિલમાં બે દિવસ અગાઉ તપાસ પણ કરી હતી.


સંચાલકો દ્વારા નામ છુપાવવાનો પ્રયાસ

જોકે, આ ખોળના વધુ સેમ્પલ NDDB (નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ) આણંદ ખાતે પણ મોકલવામાં આવ્યા છે, જેના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. સૌથી ગંભીર બાબત એ સામે આવી છે કે ગૌશાળાના સંચાલકો દ્વારા આ ઝેરી ખોળ સપ્લાય કરનાર મિલ સંચાલકનું નામ છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આનાથી સંચાલકોની ભૂમિકા શંકાના દાયરામાં આવી ગઈ છે. ઝેરી ખોળના કારણે ગાયોના મોત થવાના આ ખુલાસાથી પશુપાલન અને ગૌશાળાના સંચાલન અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. આગામી સમયમાં, મિલ સંચાલક અને ગૌશાળાના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી સંભાવના છે.

આ પણ વાંચો : Surat News : "તમને શહેરની પડી નથી!", ગજેરા સર્કલની ધીમી કામગીરી પર મેયરનો લાલઘૂમ, અધિકારીઓને જાહેરમાં ખખડાવ્યા

  • Follow us on: