રાજકોટ સહિત સમગ્ર દેશમાં ડિજિટલ પેમેન્ટનો વ્યાપ સતત વધી રહ્યો છે ત્યારે આગામી 15 ઓક્ટોબરથી UPI પેમેન્ટ વાપરવું મોંઘું બનવા જઈ રહ્યું છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NCPI)ના નવા નિયમો અનુસાર, રૂ.2000થી વધુ રકમના UPI ટ્રાન્ઝેક્શન પર 0.4 ટકા સુધી મરચન્ટ ડિસ્કાઉન્ટ એટલે કે ખાસ પ્રકારનો ચાર્જ વસૂલવામાં આવશે.
આ નિર્ણયથી રાજકોટના સ્થાનિક વેપારીઓમાં નારાજગી સાથે વિરોધનો વંટોળ વ્યાપી જવા પામ્યો છે, રાજકોટના ધર્મેદ્ર રોડ, ઘી કાટા રોડ, પરાબજારના કાપડ, બૂટ-ચંપલ, ટ્રોલીબેગ સહિતના હોલસેલ તથા છૂટક વેપારીઓએ આ શુલ્ક અંગે આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, હાલમાં જ માર્કેટમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી સમયમાં તહેવારો અને લગ્નસરાની સીઝન શરૂ થઈ રહી છે, ત્યારે જ સરકાર દ્વારા UPI પેમેન્ટ પર ચાર્જ ઝીંકવાનો આ નિર્ણય વેપાર માટે નુકસાનકારક સાબિત થશે.
