રાજકોટ શહેરમાં ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરો સામે પોલીસે લાલ આંખ કરી છે. રાજકોટ SOG (સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ) ને બાતમી મળી હતી કે મવડી વિસ્તારમાં એક શખ્સ કોઈ પણ માન્ય તબીબી ડિગ્રી વગર દવાખાનું ખોલીને લોકોની સારવાર કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને નકલી ડોક્ટરના કાળા કારોબારને ઝડપી પાડ્યો છે.

દવાઓ અને ઇન્જેક્શન સાથે ધરપકડ

પોલીસ દરોડા દરમિયાન મવડી વિસ્તારમાં ક્લિનિક ચલાવતો ભાવેશ જોશી નામનો શખ્સ ઝડપાયો હતો. તપાસ કરતા તેની પાસે પ્રેક્ટિસ કરવા માટેની કોઈ પણ માન્ય ડિગ્રી કે સર્ટીફિકેટ મળી આવ્યું નહોતું. પોલીસે ક્લિનિકમાંથી મોટી માત્રામાં એલોપેથિક દવાઓ, વપરાયેલા અને નવા ઇન્જેક્શન તેમજ તબીબી સાધનો સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

લોકોના આરોગ્ય સાથે ચેડાં

ઝડપાયેલો આરોપી ભાવેશ જોશી છેલ્લા લાંબા સમયથી આ વિસ્તારમાં ક્લિનિક ચલાવી નિર્દોષ લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરી રહ્યો હતો. SOG એ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે કે તે આ દવાઓ ક્યાંથી લાવતો હતો અને તેના સંપર્કમાં અન્ય કોઈ બોગસ ડોક્ટરો છે કે કેમ.

આ પણ વાંચો: Ahmedabad: બિનોરી એરિસ્ટોલા સાઇટ પર શ્રમિકનું મોત, સુરક્ષાના સાધનોના અભાવે ત્રીજા માળેથી પટકાયો