રાજકોટ શહેરમાં ફરજ પર રહેલા પોલીસકર્મીઓ દ્વારા દાદાગીરી અને સત્તાનો દુરુપયોગ કરવાના બનાવો અવારનવાર વિવાદનું કારણ બને છે, ત્યારે વધુ એક આવો કિસ્સો સામે આવ્યો છે. મહિલા ટ્રાફિક પોલીસકર્મી દ્વારા એક યુવકને જાહેરમાં લાફા ઝીંકવામાં આવ્યા હોવાનો વીડિયો અને CCTV ફૂટેજ સામે આવતા ચકચાર મચી છે.
મહિલા ટ્રાફિક પોલીસકર્મીની દાદાગીરી
આ ઘટના ગત 18 નવેમ્બરના રોજ શહેરના મુખ્ય ગણાતા યાજ્ઞિક રોડ પર બની હતી. વિવાદનું મુખ્ય કારણ કાર પાર્કિંગનો મુદ્દો હતો. સ્થાનિક લોકોના આક્ષેપ મુજબ, એક કાર માલિકની ગાડી નો-પાર્કિંગમાં ન હોવા છતાં ટ્રાફિક પોલીસે તેને લોક મારી દીધું હતું. કાર માલિક યુવકે જ્યારે આ અંગે દલીલ કરી અને પોલીસકર્મીની કાર્યવાહીનો વીડિયો બનાવવાનું શરૂ કર્યું, ત્યારે મહિલા ટ્રાફિક પોલીસકર્મીએ પોતાનો પિત્તો ગુમાવ્યો હતો. ગુસ્સે ભરાયેલા મહિલા પોલીસકર્મીએ યુવકને જાહેરમાં જ ત્રણથી ચાર લાફા ઝીંકી દીધા હતા અને ગાળો પણ આપી હતી.










