રાજકોટના પેલેસ રોડ પર આવેલ મનમંદિર એપાર્ટમેન્ટમાં ગત મોડી રાત્રે એક કરુણ દુર્ઘટના સર્જાઈ હતી. એપાર્ટમેન્ટના ચોથા માળે અચાનક આગ ફાટી નીકળતા ઘરમાં રહેતા વૃદ્ધ માતા અને તેમના પુત્રનું ગૂંગળાઈ જવાથી મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
એપાર્ટમેન્ટના ચોથા માળે અચાનક આગ
મળતી માહિતી મુજબ, ગત રાત્રે આશરે 1:00 વાગ્યાની આસપાસ મનમંદિર એપાર્ટમેન્ટના ચોથા માળે આવેલા એક ફ્લેટમાં આગ લાગી હતી. તે સમયે ઘરમાં ૯૨ વર્ષીય પ્રભાબેન પૂજારા અને તેમના ૬૩ વર્ષીય પુત્ર નરેન્દ્રભાઈ પૂજારા સૂઈ રહ્યા હતા. આગ લાગતાની સાથે જ ઘરમાં ધુમાડાના ગોટેગોટા ભરાઈ ગયા હતા.
ગૂંગળામણને કારણે મોત
આગની તીવ્રતા અને ધુમાડાને કારણે માતા અને પુત્ર બંને બહાર નીકળી શક્યા નહોતા. ધુમાડામાં શ્વાસ રુંધાઈ જવાને કારણે બંનેના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ તે પહેલા જ બંને જીવ ગુમાવી ચૂક્યા હતા.
શોર્ટ સર્કિટ હોવાનું પ્રાથમિક તારણ
ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસે બંને મૃતદેહોને પીએમ અર્થે ખસેડી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં આજથી ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષા થશે શરૂ, આજે ધોરણ 10માં ગુજરાતીનું પેપર રહેશે