રાજકોટના પોશ ગણાતા અમીન માર્ગ પર ફ્રૂટની રેકડીઓમાં લાગેલી ભીષણ આગના મામલે નવો વળાંક આવ્યો છે. આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેણે આ ઘટના કોઈનું કરતૂત છે કે અકસ્માત, તે અંગેના પ્રાથમિક સંકેતો આપ્યા છે.
ફ્રૂટની રેકડીઓમાં લાગેલી આગના મામલે નવો વળાંક
ઘટનાના જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ આગ લગાડતી જોવા મળી નથી. ફૂટેજ મુજબ, રેકડીમાં અચાનક એક સ્પાર્ક (તણખલો) થયો હતો. આ સ્પાર્ક થયાના થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને જોતજોતામાં એક પછી એક રેકડીઓ લપેટમાં આવી ગઈ હતી.
નાના ધંધાર્થીઓને મોટું નુકસાન
આ આગની દુર્ઘટનામાં ગરીબ અને મધ્યમ વર્ગના નાના ધંધાર્થીઓની 10 જેટલી રેકડીઓ અને તેમાં રાખેલો લાખોની કિંમતનો ફ્રૂટનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે. રોજીરોટી છીનવાઈ જતાં પરિવારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
પોલીસ અને FSLની તપાસ
માલવિયા નગર પોલીસ આ મામલે ખૂબ જ ગંભીરતાથી તપાસ કરી રહી છે. આગનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે FSL (ફિંગરપ્રિન્ટ અને સાયન્સ લેબોરેટરી) ની મદદ લીધી છે.સ્પાર્ક શોર્ટ સર્કિટને કારણે થયો હતો કે અન્ય કોઈ કારણસર, તે FSLના રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે. પોલીસે હાલ પૂરતી તપાસ હાથ ધરી છે અને રિપોર્ટ આવ્યા બાદ હકીકત જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું છે.
આ પણ વાંચો: નવનીત બાલધીયા કેસમાં ન્યાય મળતા હીરા સોલંકીએ કોળી સમાજની એકતાને બિરદાવી, યુવા શક્તિનો માન્યો આભાર