રાજકોટના વિંછીયા તાલુકાનાં પાટીયાળી ગામ ખાતે લગ્ન પ્રસંગના ફુલેકામાં ફાયરિંગ કરવાની ઘટનામાં ચોટીલા તાલુકા પંચાયતના ભાજપના સદસ્ય સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ ફાયરિંગમાં એક વ્યક્તિ ઘાયલ થતાં પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


ચોટીલા તા.પંચાયતના ભાજપના સદસ્યનું ફાયરિગ

બનાવ ગત 5 તારીખે રાત્રે ૧૧:૩૦ વાગ્યા આસપાસ બન્યો હતો. ચોટીલા તાલુકા પંચાયતના ભાજપના સદસ્ય અને ચોટીલા તાલુકાના ભાજપના પૂર્વ પ્રમુખ જીગ્નેશ પલાળીયાએ લગ્ન પ્રસંગના ફુલેકામાં બંદૂકમાંથી ભડાકા કર્યા હતા. આ ફાયરિંગમાં એક કૌટુંબિક વ્યક્તિને ગોળી વાગી હતી. ફાયરિંગને કારણે અરવિંદ કોળી નામના વ્યક્તિને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને ગોળી આરપાર નીકળી ગઈ હતી. ઈજાગ્રસ્ત અરવિંદ કોળીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ફાયરિંગમાં એક વ્યક્તિને પગના ભાગે ઇજા 

ચોંકાવનારી બાબત એ છે કે ઈજાગ્રસ્ત વ્યક્તિ દ્વારા પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવવામાં આવી નહોતી. જોકે, પોલીસે કાયદાનું પાલન કરવાના ભાગરૂપે સ્વયં ફરિયાદી બનીને જીગ્નેશ પલાળીયા સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી જીગ્નેશ પલાળીયાએ ૨૦૨૧માં રાજકોટ પોલીસ કમિશ્નર પાસેથી હથિયારનું લાઈસન્સ મેળવ્યું હતું. પોલીસે જીગ્નેશ પલાળીયાની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાંથી તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે.


વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ 

  • Follow us on: