સૌરાષ્ટ્રના સૌથી મોટા જન્માષ્ટમીના રાજકોટનો લોકમેળો છેલ્લા 73 વર્ષથી યોજાઈ રહ્યો છે. સૌ પ્રથમ મેળો 1953માં શાસ્ત્રીમેદાનમાં કરવામાં આવ્યો હતો ત્યારથી આ પરંપરાગત મેળો અવિરત યોજાઈ રહ્યો છે. શાસ્ત્રીમેદાનમાં મેળાએ ફિફટી ફટકારી હતી અને છેલ્લા 22 વર્ષથી રેસકોર્ષ મેદાનમાં લોકમેળો યોજાઈ રહ્યો છે. છતાં મેળાની રોનક ઝાંખી પડી નથી. ઉલ્ટાનો મેળામાં દર વર્ષે માનવ મેદનીનો વ્યાપ વધી રહ્યો છે.
1953માં સૌ પ્રથમ મેળો યોજવામાં આવ્યો હતો જેમાં શહેરની વિવિધ સંસ્થાઓ દ્વારા 31 વર્ષ સુધી લોકમેળાનું શાસ્ત્રી મેદાનમાં ત્રણ દિવસ સુધી આયોજન કરવામાં આવતું હતું. ત્યારબાદ રાજકોટમાં જન્માષ્ટમીના પાવન પર્વે નિમિત્તે 1984માં રાજ્ય સરકારના યુવક સેવા અને સાસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા ત્રણ દિવસ સુધી શાસ્ત્રી મેદાન ખાતે જ લોકમેળો યોજવામાં આવતો હતો. ત્યારબાદ 1988માં રાજકોટ કલેક્ટર દ્વારા સુવ્યવસ્થિત આયોજન માટે હુકમ કરી સમિતીઓની રચના કરી અધિકારો આપી ફરજો સોંપવામાં આવી. આ લોકમેળો રાજકોટની ભાતીગળ ઓળખ બની ગયો છે. શરૂઆતથી શાસ્ત્રી મેદાનમાં યોજાતો આ મેળો વધતા જતાં માનવ મહેરામણના લીધે વર્ષ 2004થી રેસકોર્સ ખાતે યોજાય મેળાના સમયગાળો ત્રણ દિવસથી વધારીને પાંચ દિવસનો કરવામાં આવ્યો.
