રાજકોટમાં નિવૃત્ત શિક્ષક દંપતીને ટાર્ગેટ બનાવી 1.14 કરોડની છેતરપિંડી આચરનાર 'ડિજિટલ અરેસ્ટ' ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે આ મામલે હરિયાણાથી એક ખાનગી બેંકના સેલ્સ ઓફિસર સહિત બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે આ હાઈપ્રોફાઈલ કેસમાં અત્યાર સુધીમાં કુલ 16 આરોપીઓ જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા છે.


બેંક મેનેજર જ નીકળ્યો માસ્ટરમાઈન્ડ

તપાસમાં બહાર આવ્યું છે કે, હરિયાણાની યસ બેંક (Yes Bank) માં સેલ્સ મેનેજર તરીકે ફરજ બજાવતો શુભમ રઘુવીરસિંહ આ ફ્રોડમાં મુખ્ય ભૂમિકા ભજવતો હતો. તેણે જ બેંકના નીતિ-નિયમોનો દુરુપયોગ કરી અન્ય આરોપી શંકર રાજપુતના નામે બોગસ રીતે બેંક ખાતું ખોલ્યું હતું. આ ખાતામાં જ છેતરપિંડીની ₹1 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. પોલીસે હરિયાણામાં દરોડો પાડી શુભમ અને શંકર રાજપુત બંનેને ઝડપી લીધા છે.

શું હતો સમગ્ર મામલો?

19 નવેમ્બર 2025ના રોજ ફરિયાદી નિવૃત્ત શિક્ષકને એક અજાણ્યો ફોન આવ્યો હતો. ફોન કરનારે ધમકાવીને કહ્યું હતું કે, "તમારા મોબાઈલ નંબર અને આધારકાર્ડથી અન્ય બેંકોમાં શંકાસ્પદ એકાઉન્ટ ખૂલ્યા છે અને તમે મની લોન્ડરિંગના કેસમાં સંડોવાયેલા છો." આરોપીઓએ વિડીયો કોલ દ્વારા દંપતીને 'ડિજિટલ અરેસ્ટ' કરી દીધા હતા અને પોલીસ કેસમાંથી બચાવવાના બહાને ટુકડે-ટુકડે કુલ ₹1.14 કરોડ પડાવી લીધા હતા.

સાયબર પોલીસની મોટી સફળતા

રાજકોટ સાયબર ક્રાઇમની ટીમે ટેકનિકલ એનાલિસિસ અને બેંક ટ્રાન્ઝેક્શનના આધારે છેક હરિયાણા સુધી પહોંચીને આ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પકડાયેલા 16 આરોપીઓની પૂછપરછમાં અન્ય કેટલા લોકો આ જાળમાં ફસાયા છે તેની વિગતો પણ સામે આવી શકે છે.

આ પણ વાંચો: Ahmedabad: આવાસ યોજનામાં ભાડે આપેલા 35 મકાન સીલ, 372ને નોટિસ, 1000 મકાનોનું થશે ચેકિંગ

  • Follow us on: