રાજકોટ । પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક (જનરલ મેનેજર) રામાશ્રાય પાંડેએ રાજકોટ-ઓખા રેલવે સેક્શનનું વિન્ડો ટ્રેલિંગ સેફ્ટી નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે કાનાલુસ રેલવે સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી અને ત્યાં ઉપલબ્ધ મુસાફરોની સુવિધાઓ તેમજ રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સમીક્ષા કરી હતી.
વિન્ડો ટ્રેલિંગ સેફ્ટી નિરીક્ષણ દરમિયાન મહાપ્રબંધકે રાજકોટ-ઓખા રેલવે સેક્શનમાં રેલ ટ્રેકની સ્થિતિ, ઓપરેશનલ કાર્યક્ષમતા અને વિવિધ સેફ્ટી માપદંડોનું વિગતવાર મૂલ્યાંકન કર્યું હતું. તેમણે રેલ સંચાલનની સેફ્ટી અને ગુણવત્તા સંબંધિત વિવિધ પાસાઓની સમીક્ષા કરી હતી. નોંધનીય છે કે નિયમિત સેફ્ટી નિરીક્ષણ સુરક્ષિત, વિશ્વસનીય અને અવિરત રેલ સંચાલન સુનિશ્ચિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આવા નિરીક્ષણો દ્વારા રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ગુણવત્તા જાળવી રાખવાની સાથે-સાથે મુસાફરોની સેફ્ટી પ્રત્યે પશ્ચિમ રેલવેની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બને છે.










