રાજકોટની ગિરિરાજ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. હોસ્પિટલમાં દાખલ એક દર્દીના પરિવારજનોએ ગંભીર આક્ષેપ લગાવ્યો છે કે હોસ્પિટલે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળ મળવાપાત્ર રકમનો દુરુપયોગ કર્યો છે. પરિવારજનોનો દાવો છે કે, હોસ્પિટલે દર્દીનું ઓપરેશન કર્યું ન હોવા છતાં તેમના ખાતામાંથી રૂ. 41,000ની રકમ કપાઈ ગઈ છે અને ઓપરેશન કર્યા વગર જ ડિસ્ચાર્જ સમરી પણ બનાવી દેવામાં આવી હતી.
દર્દીઓના પૈસાથી ખેલ
જોકે, હોસ્પિટલ સંચાલકોએ આ આક્ષેપો પર સ્પષ્ટતા આપી છે. હોસ્પિટલ સંચાલકોએ જણાવ્યું છે કે, "પૈસા ખાતામાંથી કપાયા નથી. સરકારની પ્રક્રિયા મુજબ, જ્યારે ઓપરેશન નક્કી થાય ત્યારે પૈસા માત્ર 'બ્લોક' કરવામાં આવતા હોય છે." સંચાલકોએ વધુમાં જણાવ્યું કે, ઓપરેશન કોઈ કારણોસર કેન્સલ થતાં, બ્લોક કરાયેલા આ પૈસા નિયત સમયમર્યાદામાં દર્દીના ખાતામાં પાછા જમા થઈ જશે. હોસ્પિટલ દ્વારા દર્દી કે તેના પરિવાર પાસેથી કોઈ રોકડ રકમ લેવામાં આવી નથી. તેમ છતાં, આ વિવાદના કારણે હોસ્પિટલની કાર્યપદ્ધતિ પર સવાલો ઉભા થયા છે.













