રાજકોટની ઇન્ડિયન બેંકમાં ગોલ્ડ લોન પેટે ગીરવે મુકાયેલા દાગીના ગાયબ થવાની ઘટનામાં મોટો ખુલાસો થયો છે. અંદાજે 64.29 લાખ રૂપિયાની કિંમતનું સોનું બેંકની તિજોરીમાંથી ગાયબ થતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. નવાઈની વાત એ છે કે આ મામલો માર્ચ મહિનામાં સામે આવ્યો હોવા છતાં ફરિયાદ નોંધાવતા 9 મહિના જેટલો લાંબો સમય લાગ્યો છે.


 ઇન્ડિયન બેંકમાંથી સોનું ગાયબ થવાનો કેસ

ઘટનાની વિગતો મુજબ, ગત 17 માર્ચ 2025 ના રોજ બેંકમાં રૂટિન ઇન્સ્પેક્શન (તપાસ) હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન સેફ ડિપોઝિટ વોલ્ટમાં રાખવામાં આવેલા સોનાના બે પાઉચ ગાયબ હોવાનું માલૂમ પડ્યું હતું. આ દાગીના શાહ દંપતી દ્વારા બેંકમાં ગીરવે મૂકવામાં આવ્યા હતા.

તત્કાલીન આસિસ્ટન્ટ મેનેજર, બ્રાન્ચ મેનેજર સામે ફરિયાદ

બેંકના આસિસ્ટન્ટ જનરલ મેનેજર ઘનશ્યામકુમાર ઝા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં બેંકના જ તત્કાલીન જવાબદાર અધિકારીઓને આરોપી બનાવવામાં આવ્યા છે. શ્રુતિ મેશરામ - તત્કાલીન આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર, વિષ્ણુ ઈલાયથ - તત્કાલીન આસિસ્ટન્ટ મેનેજર પોલીસ ફરિયાદ મુજબ, શાહ દંપતીએ બેંકમાંથી ગોલ્ડ લોન મેળવવા માટે કુલ 1005.10 ગ્રામ (અંદાજે 1 કિલો) સોનાના દાગીના ગીરવે મૂક્યા હતા. આ દાગીનાની વર્તમાન બજાર કિંમત 64,29,600 રૂપિયા આંકવામાં આવી છે. બેંકની સેફ કસ્ટડીમાં હોવા છતાં આટલી મોટી માત્રામાં સોનું ગાયબ થવું એ બેંકની આંતરિક સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કરે છે.

પોલીસની કાર્યવાહી

રાજકોટ એ ડિવિઝન પોલીસે આ મામલે વિશ્વાસઘાત અને છેતરપિંડીની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે સોનું ગાયબ કરવામાં અન્ય કોઈ કર્મચારી કે બહારની વ્યક્તિની સંડોવણી છે કે કેમ. આટલા લાંબા વિલંબ બાદ થયેલી ફરિયાદ પાછળના કારણો પણ તપાસનો વિષય છે.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ 

  • Follow us on: