રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના કેશવાળા-વાસાવડ રોડ પર કૌટુંબિક કંકાસ અને લોહીલુહાણ વેરની એક એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેણે સમગ્ર પંથકને ધ્રુજાવી દીધો છે. દીકરી અને જમાઈ વચ્ચે ચાલી રહેલા ઘરકંકાસના સમાધાનના વિવાદમાં ઉશ્કેરાયેલા સસરાએ ફેંકેલો એક મોટો પથ્થર બાઈક પાછળ બેઠેલા 13 વર્ષના નિર્દોષ બાળકને વાગતા તેનું કરૂણ મોત નીપજ્યું છે.



પતિ-પત્ની વચ્ચેના વિવાદમાં પરિવારે ભોગવવું પડ્યું

ઘટનાની મળતી વિગતો અનુસાર, મોટા દડવા ગામે રહેતા અજય સોલંકી અને તેની પત્ની ક્રિષ્ના વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પારિવારિક ઝઘડો ચાલતો હતો. આ દંપતી વચ્ચે સમાધાન કરાવવા મુદ્દે બંને પક્ષો વચ્ચે ભારે તણાવ અને વિવાદ ચાલી રહ્યો હતો. આ દરમિયાન ભનાભાઈ સોલંકી પોતાના પરિવાર સાથે મોટરસાયકલ પર સવાર થઈને કેશવાળા-વાસાવડ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા.


સસરાએ ફિલ્મી ઢબે પીછો કરીને પથ્થરમારો કર્યો

પરિવાર બાઈક પર જઈ રહ્યો હતો, ત્યારે જમાઈના સસરા અરવિંદભાઈ માતાસૂરિયાએ આવેશમાં આવીને પોતાના વેવાઈના બાઈકનો પીછો કર્યો હતો. પીછો કરતી વખતે હુમલાખોર અરવિંદભાઈએ વેવાઈ ભનાભાઈને નિશાન બનાવીને એક મોટો અને ભારેખમ પથ્થર ફેંક્યો હતો, પરંતુ કમનસીબે આ પથ્થર ભનાભાઈને વાગવાને બદલે બાઈક પર પાછળ બેઠેલા તેમના 13 વર્ષના માસૂમ પુત્ર નરેન્દ્રને માથાના ભાગે જોરદાર વાગ્યો હતો.


સારવાર મળે તે પહેલાં જ માસૂમે તોડ્યો દમ

પથ્થર એટલી જોરથી વાગ્યો હતો કે, માસૂમ નરેન્દ્ર ક્ષણભરમાં લોહીલુહાણ થઈ ગયો હતો અને બાઈક પરથી ઢળી પડ્યો હતો. ઘટનાને પગલે પરિવારમાં ભારે ચિસાચિસ મચી ગઈ હતી. ગંભીર રીતે ઘવાયેલા બાળકને તાત્કાલિક સારવાર અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. કૌટુંબિક ઝઘડામાં એક નિર્દોષ બાળકે પોતાનો જીવ ગુમાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.


પોલીસ કાફલો ઘટના સ્થળે

આ લોહિયાળ અને હૃદયદ્રાવક ઘટનાની જાણ થતાં જ સુલતાનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ (PI) જે.એ. ખાચર સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે મૃતક બાળકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી, હુમલાખોર સસરા અરવિંદ માતાસૂરિયા વિરૂદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો - Rajkot : બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર વિવાદો વચ્ચે સંપન્ન, આયોજકો અને અંધશ્રદ્ધા વિરોધીઓ વચ્ચે આરપારની જંગ



  • Follow us on: